ખીજડીયા પક્ષી અભયારણ્ય યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અહીં મીઠાપાણી અને ખારાપાણીના એમ બે પ્રકારના જલપ્લાવિત વિસ્તારો અરસપરસ આવેલા છે. આ વિસ્તારોનું સંકુલ બહુ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઈન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવે છે. જે કારણે અહીં યુરોપ, ઈરાન, અફઘાનિસ્તાન, સાઈબીરીયા અને પાકિસ્તાન તેમજ તેના આસપાસના પ્રદેશોમાંથી પક્ષીઓ આવે છે.
આ અભ્યારણ્ય મનુષ્યની દરમિયાનગીરીના પરિણામે સર્જાયેલા ઉમદા પરિસર તંત્રો પૈકીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે આ નાનકડા વિસ્તારમાં અનેક વિવિધ પક્ષીઓ માટે આશ્રય સ્થાન પુરૂ પાડે છે. આ અભયારણ્યમાંના મીઠાં પાણીનાં સરોવરો કચ્છના અખાતના દક્ષિણતટની સમાંતરે નિર્માણ કરાયેલ માટીનાં કૃત્રિમ પાળાને કારણે અસ્તિત્વમાં આવેલ છે.
1981માં આ વિસ્તારની જૈવવિવિધતાને ધ્યાને લઈ સરકારએ તેને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતાં. દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ ક્ષેત્રમાં આવે છે. આશરે 7.5 કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં કુલ 312 પક્ષીની જાતો દ્રશ્યમાન થાય છે. જેમાં અનેક યાયાવર પક્ષીઓ માટે ખીજડીયા વિસામાનું સ્થળ છે, તો કેટલાક સમગ્ર શિયાળા દરમિયાન આ વિસ્તારમાં નિવાસ કરે છે. ઉપરાંત શેળો, શાહુડી, ભારતીય સસલાં, લોંકડી, શિયાળ, જંગલી બિલાડી, નીલગાય, નોળીયા અને વરૂ જેવા સસ્તન પ્રાણીઓ તેમજ માછલીની વિવિધ પ્રજાતિઓ, ઉભયચરો અને સરિસૃપોની આશરે 12 જાતિઓ પણ અહીં જોવા મળે છે.
વિશ્વમાં વસતી અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે. ત્યારે ખીજડીયામાં આવી પ્રજાતિઓ જેવી કે, મોટી ચોટીલી ડૂબકી, નાની કાંકણસાર અને કાળી ડોક ઢોંક જેવી પ્રજાતિઓ અહીં સંતતિ ઉછેર કરે છે, જેને લઈને આ વિસ્તાર ઘણો લોકપ્રિય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.