ધ્રોલ તાલુકાના લતીપુર સીમ પંથકમાં રહેતા અને ભાગીદારીમાં ખેતર વાવતા શ્રમિક યુવાનનુ રાત્રે કારમાં ધસી આવેલા જમાઇ સહિત દાહોદના સાતેક શખસો અપહરણ કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં પુત્રીના સમાધાનના બાકી રૂ. બે લાખના મામલે માર મારી અપહરણ કરાયાનુ ખુલ્યુ છે.પોલીસે ભારે દોડધામ બાદ અમુક અપહરણકારોને પણ પકડી પાડયાનુ જાણવા મળ્યુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દાહોદના ધાનપુરના વતની અને હાલ ધ્રોલના લતીપુરમાં વાડી વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં વાવેતર રાખતા સનિયાભાઇ જીથરાભાઇ મોહનીયા નામના આઘેડ ગત મોડી રાત્રે વાડીએ જીરૂના ઢગલા પાસે રખોપુ રાખી નિદ્રાધીન થયા હતા જે વેળાએ ઇકો કારમાં ધસી આવેલા જમાઇ મુકેશ મોહનભાઇ મહેડા સહિત અડધો ડઝનથી વધુ શખસોએ લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો અને કારમાં ઉપાડી તેનુ અપહરણ કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.
આ બનાવ મામલે ભોગગ્રસ્તના પત્ની રમીલાબેને ધ્રોલ પોલીસને જાણ કરતા પોલીસ ટુકડી તાકિદે દોડી ગઇ હતી.પોલીસે રમીલાબેનની ફરીયાદ પરથી મુકેશ મહેડા સહિતના શખસો સામે અપહરણનો ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી હતી.
ભોગગ્રસ્તની વતનમાં રહેતી પુત્રીને એકાદ વર્ષ પહેલા મુકેશ મહેડા લગ્નના ઇરાદે ઉપાડી ગયો હતો જે બાદ સમાજ દરજજે સમાધાન અર્થે જે તે સમયે રૂ. બે લાખ આરોપી જમાઇ મુકેશએ આપ્યા હતા.જેના થોડા સમય બાદ પુત્રીએ માવતરે આવી તેને ફાવતુ ન હોવાનુ કહ્યુ હતુ જેથી ભોગગ્રસ્ત પરીવારે પણ પૈસા પાછા લઇ જવાની આરોપીને વાત કરી હતી.
ત્યારબાદ ગત તા.4ના રોજ રાત્રે સનીયાભાઇ અને તેનો પુત્ર ખેતરમાં જીરૂના ઢગલા પાસે સુતા હતા ત્યારે મુકેશ સહિતના શખસોઅે લાકડીઓ ફટકારી રૂ. બે લાખ આપવાના બાકી હોવાથી તેનુ અપહરણ કરી ગયાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.અપહરણના આ બનાવના પગલે ધ્રોલ પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અપહરણકારો પણ આબાદ સપડાયા હોવાનુ જાણવા મળ્યુ છે. લતીપર સીમ પંથકના બનાવે દોડધામ મચાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.