AAPના નેતા સામે ફરિયાદ:દેવભૂમિ દ્વારકામાં AAPના નેતાએ પૈસા લઈ ત્રણ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ આપી, પોલીસે ધરપકડ કરી; પાર્ટીએ સભ્યપદેથી દૂર કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારૂ ગઢવીની છેતરપિંડી મામલે ધરપકડ - Divya Bhaskar
કારૂ ગઢવીની છેતરપિંડી મામલે ધરપકડ
  • કારૂ ગઢવી દેવભૂમિ દ્વારકાના આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ છે
  • છેતરપિંડીના કારણે વિદ્યાર્થીઓનું આર્મીમાં જોડાવાનું સપનું રોળાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ અને નેતા કારૂ ગઢવી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામા આવી છે. કારૂ ગઢવીએ બે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ બોગસ માર્કશીટ આપી હોવાનો આરોપ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આમ આદમી પાર્ટીએ તાત્કાલીક અસરથી કારૂ ગઢવીને પાર્ટીમાં સસ્પેન્ડ કરી કિનારો કરી લીધો છે.

કારૂ ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો 'આપ'નો પૂર્વ પ્રમુખ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ઉગમણા બારા ગામના પ્રવીણસીહ પથુભા વાઘેલાના પુત્ર વીરમદેવસીહ તથા તેના સંબંધીના પુત્ર જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ અને પ્રદયુમનસીહ દોલુભા રાઠોડ રહે. બંને ગોઇન્જ તા. ખંભાળીયા વાળા સંને- 2017ની ગુજરાત બોર્ડમાં નાપાસ થયા હતા. આ જ વર્ષે ત્રણેયની કોઇપણ જાતની પરીક્ષા કે ફોર્મ ભર્યા વગર તેઓને વિશ્વાસ અને ભરોસો આપી પ્રવીણસિંહને રૂપિયા 27 હજાર અને અન્ય બે વિદ્યાર્થીઓના રૂ. 15-15 હજારની રકમ લઇ દ્વારકા જીલ્લાના આપના પૂર્વ પ્રમુખ અને હાલ કજુરડા ગામના પાટિયા પાસે રહેતા કારૂભાઇ જીવણભાઇ ભાન ગઢવીએ દીલ્હી રાજય બોર્ડની માન્યતા ધરાવતી રાષ્ટ્રીય મુકત વિધાલય શિક્ષા સંસ્થાનના નામે ધોરણ–10નું બોગસ બનાવટી સર્ટી બનાવી આવ્યું હતું. જેના થકી પ્રવિણસિંહના પુત્રએ ધોરણ 11-12 પાસ કરી કોલેજના બીજા વર્ષ સુધી અભ્યાસ પણ કર્યો છે. હાલ તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

બોગસ સર્ટિફિકેટના કારણે યુવાનનું આર્મીમાં જોડાવાનું સપનું રોળાયું
દરમિયાન આ જ વર્ષે દ્વારકા ખાતે આર્મીની ભરતી આવતા પ્રવીણસિંહના પુત્ર વિરમદેવસિંહે ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ ફીજીકલ અને લેખિત તથા મેડીકલ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ પ્રમાણપત્રોની ખરાઈ વખતે દિલ્લીનું ધોરણ દસનું પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવતા આર્મીએ તેનો નોકરી ઓર્ડર કાઢ્યો ન હતો. આ બાબતને લઈને પ્રવીણસિંહે સ્થાનિક પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના આધારે પોલીસે તપાસ કરતા આ પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીએ પ્રવીણસિંહના દીકરા તથા અન્ય બે યુવાનો પાસેથી આર્થિક લાભ લઇ ધોરણ-10 ના બોગસ બનાવટી સર્ટીઓ આપી કૌભાંડ આચરી, નિદોર્ષ અને ભોળા વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
આમઆદમી પાર્ટીના દ્વારકા જીલ્લાના પૂર્વ અધ્યક્ષ સામે ખંભાળીયા પોલીસે આઇપીસી કલમ 406,420,465,467,468, 471,474 મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપીને પકડી પાડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં રાજકોટના એક શખ્સની સંડોવણી ખુલવા પામી છે. છે.પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદ થતા આમ આદમી પાર્ટીએ નેતાથી કિનારો કર્યો
કારૂ ગઢવી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીએ પ્રેસનોટ જાહેર કરી નેતાથી કિનારો કરવાનો પ્રયાસ કર્યો છે. ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીના નબળા દેખાવના કારણે કારૂ ગઢવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદેથી 7 ઓકટોબરે જ દૂર કરી દેવાયા હોવાની સ્પષ્ટતા કરવામા આવી છે. સાથે જ્યાં સુધી આ મામલે તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કારુ ગઢવીને આપના પ્રાથમિક સભ્યપદેથી પણ દૂર કરાયા હોવાની સ્પષ્ટતા કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...