લુંટેરી દુલ્હને લાખોનું કરી નાખ્યું:જામનગરમાં લગ્નના બે દિવસ બાદ જ મહારાષ્ટ્રની યુવતી ઘરેથી ગાયબ, વાઇરલ વીડિયો સામે આવતાં યુવકને છેતરાયાનું ભાન થયું

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના ખર્ચ પેટે યુવકે મહારાષ્ટ્રીયન પરિવારને રૂ. 1.80 લાખ આપ્યા હતા, ઘરમાંથી ઘરેણાં પણ ગાયબ
  • યુવતી જામનગરથી કોઇને કહ્યા વગર ચાલી ગઇ, યુવક રૂ. 2.20 લાખની છેતરપીંડીનો શિકાર
  • યુવતીના પરિવારે તે મહારાષ્ટ્ર આવી હોવાનું જણાવ્યું, બહાના કાઢી પાછી ન મોકલી

જામનગરમાં લુંટેરી દુલ્હનનો વધુ એક યુવાન શિકાર બની ગયો છે. લગ્નના ખર્ચ અને દાગીના પેટે મહારાષ્ટ્રની યુવતી અને તેના પરિવારે તેમજ અન્ય બે દલાલ સહિતના શખ્સોએ 2.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની જામગર સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. લુંટેરી દુલ્હન અગાઉ મહારાષ્ટ્રના પૂણેમાં પણ આજ રીતે લગ્નના નામે છેતરપિંડી કરતા પકડાઇ ચૂકી હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં લુંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલીમાં ગરબી ચોક ખાતે રહેતા અને રસોઇ કામ કરતા સાગર સદાશિવ ભાઈના પિતાએ તેમના લગ્નની વાત સગા સંબંધીઓ અને મિત્રોને કરી હતી. લાંબા સમય બાદ તેના રાજકોટ રહેતા એક મિત્ર પ્રકાશ મારુએ પોતાના ધ્યાનમાં એક છોકરી હોવાનું જણાવી અમદાવાદના વિષ્ણુભાઈને મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ હોવાની અને તેમની યુવતી કુંવારી હોવાનું જણાવ્યું હતું.

જેને લઇને પ્રકાશભાઈ તથા વિષ્ણુભાઇએ સુરતના પુણા ગામમાં નારાયણ સોસાયટીમાં રહેતા સુધાબેનના ઘરે બોલાવી કન્યા જોવાનું ગોઠવ્યું હતું. દરમિયાન તારીખ 27 જાન્યુઆરી, 2022ના રોજ રસોઈ કામ કરતા યુવાન સાગર અને પ્રકાશભાઈ તથા સાગરના મિત્ર હમિદભાઈ જામનગરથી સુરત ગયા હતા. જ્યાં પ્રકાશભાઈના જાણીતા વિષ્ણુભાઈ અને બીજા એક ભાઈ અને ચાર મહિલા હાજર હતી. જેમાંથી એક મહિલાને પ્રકાશભાઈ તથા વિષ્ણુભાઈ ઓળખતા હતા. જેમાં ત્રણ યુવતીઓ પૈકી શુભાંગી પ્રભાકરન શિંદે નામની કન્યા બતાવી તેની સાથે સાગરના લગ્ન કરાવવાના છે એમ નક્કી થયું હતું.

ત્રણ પૈકીની બીજી બે મહિલાઓ એક શુભાંગીની માતા મનિષાબેન અને બીજી તેની માસી આશાબેન હોવાની ઓળખ તે સમય આપી હતી. ત્યારબાદ તારીખ 29 જાન્યુઆરી, 2022ના રોજ મહારાષ્ટ્રીયન પરિવાર કન્યાને સાથે લઇને જામનગર આવ્યો હતો અને લગ્નનું નક્કી થયું હતું. દરમિયાન તા. 14 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજની વિધિ કરાવવામાં આવી હતી. જેમાં લગ્નના ખર્ચ પેટે સાગરના પરિવારે મહારાષ્ટ્રીયન પરિવારને રૂપિયા 1.80 લાખ આપ્યા હતા.

ત્યારબાદ તા. 16 ફેબ્રુઆરીના રોજ શિવાંગી કોઈને કહ્યા વગર જ ક્યાંક ચાલી ગઈ હતી. પાછળથી સાગર અને તેના પરિવારે શોધખોળ કરી પણ શુભાગી ક્યાંય મળી નહોતી. જેમાં ઘરમાંથી રૂપિયા 40 હજારના દાગીના ગાયબ હોવાથી શુભાંગી તેને લઈ ગઈ હોવાની પરિવારને શંકા ગઈ હતી. જેથી પરિવારે બીજા દિવસે શુભાંગીની માસીએ ફોન કર્યો હતો, જેમાં તેમણે તેની માતાની તબિયત સારી ન હોવાથી તે મહારાષ્ટ્ર આવી ગઇ હોવાનું તેમણે કહ્યું હતું.

ત્યારબાદ સમયાંતરે જુદા જુદા બહાના બનાવી તેમણે શુભાંગીને મોકલી ન હતી. જેમાં એક દિવસ વાયરલ વીડિયો સામે આવ્યો હતો. જેમાં શુભાંગી, મનીષા શિંદે અને આશાબેન ભોરેએ અન્ય યુવાન સાથે આવી જ રીતે લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સાગરભાઈએ આ લૂંટેરી દુલ્હન અને તેની માતા, માસી તેમજ અન્ય બે દલાલ સામે જામનગર સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

દુલ્હનનો ભાંડો સોશિયલ મીડિયાથી ફૂટી ગયો
સોશિયલ મીડિયાના માધ્યમથી સાગરભાઇએ તપાસ કરાવતાં આખરે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું અને શુભાંગી દ્વારા અગાઉ પણ આવી રીતે મહારાષ્ટ્રમાં લગ્ન કર્યા હોવાનું અને અન્ય કેટલાક યુવાનોને પણ લગ્નને નામે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...