જામનગર એસ.ટી.બસ સ્ટેન્ડ જર્જરિત થઇ ગયું હોય મુસાફરો પર જોખમ ઝંળુબી રહ્યું છે. વર્ષ 1970 માં નિર્માણ પામેલું એસ.ટી. બસ સ્ટેન્ડ 52 વર્ષમાં ખખડધજ થઇ ગયું છે. જામનગરનું બસ સ્ટેન્ડ અન્ય શહેરો કરતા પછાત હોય વિકાસના દાવા પોકળ પુરવાર થયા છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં બસ સ્ટેન્ડમાં પંખા બંધ હોય મુસાફરો પરઝેવે રેબઝેબ થઇ રહ્યા છે.
મુસાફરો પર અકસ્માતનું જોખમ
જીવલેણ અકસ્માત થાય તે પહેલા નવું એસ.ટી.બસ સ્ટેન્ડ બનાવવાની તાતી જરૂરિયાત છે. આમ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાચતા મુસાફરો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જામનગર શહેરની મધ્યમાં વર્ષ-1970 માં એસ.ટી.બસ સ્ટેન્ડ બનાવામાં આવ્યું હતું. જેને 52 વર્ષ થતાં આ બસ સ્ટેન્ડ જર્જરિત થઇ ગયું છે. જેના કારણે ડેપોમાંથી બસમાં આવાગમન કરતા મુસાફરો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે.
એસ.ટી.ની તંત્ર ઘોર બેદરકારી
આટલું ઓછું હોય તેમ હાલ ઉનાળાની તીવ્ર ગરમીમાં એસ.ટી.બસ સ્ટેન્ડમાં પંખા બંધ હોય મુસાફરો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. બસ સ્ટેન્ડમાં છાશવારે પીવાના પાણી, ગંદકીની સમસ્યા સર્જાઇ છે. યોગ્ય સફાઇ ન થતાં ઠેર-ઠેર કચરા જોવા મળે છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં એસ.ટી.નું તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. જેના કારણે મુસાફરોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
મુખ્ય એસ.ટી. સ્ટેન્ડની દુર્દશા - છત પરથી પડતા પોપડા, અનેક સ્થળે દિવાલોમાં તિરાડ
શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડની હાલત ખખડધજ હોય છત પરથી છાશવારે પોપડા પડે છે. આટલું જ નહીં ઇમારતમાં અનેક સ્થળે દિવાલોમાં તિરાડ પડી ગઇ છે. વળી, મુખ્ય બિલ્ડીંગ અને સ્ટાફરૂમ વચ્ચેની બિલ્ડીંગ અલગ થઇ ગઇ હોય ગમે તે સમયે ધરાશાયી થઇ જાય તે સ્થિતિમાં ઉભી છે. આથી મોટી દુધર્ટનાની શકયતા નકારી શકાતી નથી.
બસ સ્ટેન્ડમાં દરરોજ 3000 મુસાફરોનું આવાગમન
જામનગર એસ.ટી.બસ સ્ટેન્ડમાં દરરોજ 3000 જેટલા મુસાફરોનું આવગમન રહે છે. આ સ્થિતિમાં બસ સ્ટેન્ડની ઇમારત જર્જરિત હોય મુસાફરો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે. વળી, બસ સ્ટેન્ડમાં શૌચાલયની યોગ્ય સફાઇ થતી ન હોય, પીવાના પાણીની સુચારૂં વ્યવસ્થા ન હોય મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
પંખા રીપેરની કામગીરી પૂર્ણ, રીનોવેશન માટે ડીવીઝન કક્ષાએ કાર્યવાહી
જામનગર એસ.ટી.બસ સ્ટેન્ડમાં બે પંખા ક્ષતિગ્રસ્ત થતાં ઉતારી લેવામાં આવ્યા હતાં. આ પંખા રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા પંખા લગાવામાં આવશે. બસ સ્ટેન્ડની ઇમારત જર્જરિત થઇ ગઇ હોય ડીવીઝન કક્ષાએ રજૂઆત કરતા તેના નવીનીકરણની કાર્યવાહી ડીવીઝન કક્ષાએથી ચાલી રહી છે. - જીગ્નેશ ગઢવી, એસ.ટી.ડેપો મેનેજર, જામનગર.
પંખા રીપેરની કામગીરી પૂર્ણ, રીનોવેશન માટે ડીવીઝન કક્ષાએ કાર્યવાહી
જામનગર એસ.ટી.બસ સ્ટેન્ડમાં બે પંખા ક્ષતિગ્રસ્ત થતાં ઉતારી લેવામાં આવ્યા હતાં. આ પંખા રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા પંખા લગાવામાં આવશે. બસ સ્ટેન્ડની ઇમારત જર્જરિત થઇ ગઇ હોય ડીવીઝન કક્ષાએ રજૂઆત કરતા તેના નવીનીકરણની કાર્યવાહી ડીવીઝન કક્ષાએથી ચાલી રહી છે. - જીગ્નેશ ગઢવી, એસ.ટી.ડેપો મેનેજર, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.