ઉકેલ:જામ્યુકોને રહી-રહીને શહેરીજનો યાદ આવ્યા, શહેરને વિકાસના પંથે લઈ જવા સૂચનો મંગાવ્યા

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકાની કવાયત
  • વિકરાળ સમસ્યાઓનો ઉકેલ માત્ર 100 જ શબ્દોમાં સમાવીને મોકલવાનું કહેવાતા આશ્ચર્ય

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ માટે જામનગર મહાનગરપાલિકાને હવે રહી રહીને શહેરીજનો યાદ આવ્યા છે અને શહેરના વિવિધ પ્રશ્નો ઉકેલવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવતા અનેક સવાલ ઉઠયા છે. શહેરમાં ટ્રાફીક, ઢોર સહિતની વિકરાળ સમસ્યા હોવા છતાં ફકત 100 શબ્દોમાં સૂચનો મંગાવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

જામનગર મહાનગરપાલિકાએ નિવેદનમાં જણાવ્યાનુસાર શહેરીજનોને મનપા દ્વારા વિવિધ સેવા પૂરી પાડવામાં આવે છે. આઝાદીના 75 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરને વધુ વિકાસના ઉંચા પંથે લઇ જવા અને વિવિધ સેવા વધુ સારી રીતે આપી શકાય, શહેરી જીવન સાથે સંકળાયેલા વિવિધ સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક પ્રવૃતિમાં સંવાદિતા સર્જાય અને આધુનીક શહેરીજનોની વ્યવહારૂ અપેક્ષાને પરિણામલક્ષી બનાવવા શહેરને અસરકર્તા વિષયો પર શહેરીજનો પાસે સૂચનો અને નિરાકરણ મંગાવ્યા છે.

પરંતુ મનપાને આટલા વર્ષો બાદ રહી રહીને શહેરીજનો યાદ આવતા અને તેની પાસેથી સૂચનો મંગાવતા અનેક સવાલ ઉઠયા છે. બીજી બાજુ પાર્કિંગ, ઢોર સહિત વિકરાળ સમસ્યા હોય જે મનપા ઉકેલી શકી નથી તે અંગે સૂચનો મંગાવતા આશ્ચર્ય સર્જાયું છે.

સૂચનો મોબાઇલ પર 100 શબ્દોમાં મોકલવાના રહેશે
મનપાએ શહેરના અસરકર્તા પ્રશ્નો અંગે મોબાઇલ નંબર 9978411141 પર 100 શબ્દોમાં સૂચનો વોટસઅપ પર મોકલવા જણાવ્યું છે. પરંતુ શહેરની સમસ્યા વિકરાળ હોય 100 શબ્દમાં સૂચનો કરવા શકય નથી. વળી, જે શહેરીજનો વોટસએપનો ઉપયોગ કરતા નથી અથવા સુવિધા નથી તો તે લોકો કેવી રીતે સૂચનો મોકલી શકે તે અંગે મનપાએ સ્પષ્ટતા ન કરતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ટ્રાફીક, પાર્કિંગ, દબાણ સહિતના વિષયો પર સૂચનો મંગાવાયા
શહેરને અસરકર્તા સાંપ્રત વિષય, સમસ્યા જેવી કે ટ્રાફીક, પાર્કિગ, દબાણ, ફેરિયા, સ્લમ, સ્વચ્છતા, સિલ્વર ડસ્ટબીન, ઢોર, ટેકસ, પાણી, ભૂગર્ભ ગટર, પર્યાવરણ, પ્રદૂષણ, વોટર હાર્વેસ્ટીંગ, ઇલેકટ્રીસીટી, રીન્યુઅલ એનર્જી, સામાજિક સોહાર્દ, એનીમલ વેલફેર, મનોરંજન, સીનિયર સીટીઝન, શહેરના બાળ વિકાસ, યુવા વિકાસ, સેન્સીટીવીટી, લોકશાહી પ્રત્યે જાગૃતિ, મતાધિકાર જાગૃતિ, આરોગ્ય સેવા, શિક્ષણ, આત્મનિર્ભરતા અંગે સૂચનો અને નિરાકરણો મંગાવ્યા છે.

મનપાના અધિકારી, કર્મીઓના પગાર પાછળ મહિને રૂ.15 કરોડનો ખર્ચ
જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના પગાર, પેન્શન, રીટાયરમેન્ટ પાછળ દર મહિને રૂ.15 કરોડનો ખર્ચ થાય છે. મનપામાં અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવતા હોય અને મસમોટો પગારા ચૂકવવામાં આવતો હોય છતાં શહેરીજનો પાસે સૂચનો મંગાવામાં આવતા શહેરીજનોમાં સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...