વિકાસના કામોને વેગ:જામનગરના જામવંથલી, કોંઝા અને મકવાણા ગામે રુપિયા 5 કરોડથી વધુના ખર્ચે બ્રિજ નિર્માણ પામશે, કૃષિમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના જામવંથલી, કોંઝા અને મકવાણા ગામે રૂ.5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા બ્રિજનું કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામવંથલી ગામે રોજીયા-વંથલી માઈનોર બ્રિજ, રૂ.2 કરોડના ખર્ચે કોંઝા બ્રિજ તેમજ લાવડિયા-મકવાણા-ઢંઢા રોડ પર રૂ.3 કરોડ 25 લાખના ખર્ચે 12 મીટરના 6 ગાળાનો મેજર બ્રિજ નિર્માણ પામશે.

ચોમાસામાં નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે
આ ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના અવિરત કાર્યો ચાલુ છે. ત્યારે જામવંથલી, કોંઝા અને મકવાણા ગામે બ્રિજના નિર્માણ થવાથી ગામડાના લોકોને અવર જવરમાં મુશ્કેલી નહી પડે, તેમજ ચોમાસાના સમય દરમિયાન નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. ખેડૂતોને મદદરૂપ થવા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ડેમો અને તળાવોમાં પાણી ભરવામાં આવતા ખેડૂતો તે પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી ખેતી કરી શકશે અને તેમની આવકમાં વધારો થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન પૂર્ણ થશે. શહેરોની માફક ગામડામાં વિકાસના કાર્યો થાય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રોડ, રસ્તા પાણી વગેરે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભરત બોરસદિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠ્ઠલ માંડવીયા, તાલુકા પંચાયતના સદસ્યો મનહરસિંહ જાડેજા, કાંતિલાલ દુધાગરા, સરપંચો, ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...