સમૂહ લગ્નનું આયોજન:જામનગરનું તપોવન ફાઉન્ડેશન કરશે માં-બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન, દીકરી વગરના દંપતિઓ કન્યાદાન કરશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, વરરાજાઓનું સંયુક્ત ફુલેકું
  • દીકરી વગરના દંપતિઓ દ્વારા કન્યાદાન કરાશે, કરિયાવર સંસ્થા કરશે

જામનગરની તપોવન ફાઉન્ડેશન નામની વૃદ્ધાશ્રમ ચલાવતી સંસ્થા દ્વારા અગામી તા. 27 જાન્યુઆરીના રોજ માતા-પિતા કે પિતા વગરની સર્વજ્ઞાતિય 16 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે દંપતિઓને દીકરી નથી તેવા દંપતિઓ દ્વારા કન્યાદાન કરવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં સંતો-મહંતો આશીર્વચન આપવા પધારશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.

મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વજ્ઞાતિની દીકરીઓનાં સમૂહ લગ્નનું આયોજન જામનગરમાં સૌપ્રથમવાર તપોવન ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન લગ્નોત્સવ તરીકે થઈ રહ્યું છે. જ્યારે આ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિની 16 દીકરીઓ સમૂહલગ્ન દ્વારા પ્રભુતામાં પગલા પાડશે.

આજે તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજેનભાઈ જાની, ટ્રસ્ટી પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પરેશભાઈ જાની તેમજ કબીર આશ્રમના સેવાભાવી ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા, બ્રહ્મ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સંસ્થાની જગ્યામાં અગામી તા. 27મી જાન્યુઆરીએ જામનગર શહેર-જિલ્લાની માતા-પિતા કે પિતા વિહોણી સર્વ જ્ઞાતિય 16 દીકરીઓના સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીકરીઓને કરિયાવર સંસ્થા દ્વારા અપાશે. આ સમૂહલગ્નોત્સવની વિશેષતા એ છે કે, દીકરી ન હોય તેવા દંપતિઓ કન્યાદાનના પુણ્યનો લાભ લેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તા. 15 જાન્યુઆરીએ લગ્નો લખાશે, 25મીએ સમૂહ મહેંદી મુકાશે, તા. 27મીએ કન્યાઓ માટે બ્યુટીશિયનોની વ્યવસ્થા બાદ 16 વરરાજાઓના વરઘોડા સંયુક્ત રીતે લગ્નસ્થળ પર પહોંચશે, જ્યાં સામૈયા થશે. યુગલો-નવદંપતિઓને આશિષ આપવા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, મહંત દેવપ્રસાદ મહારાજ, ખીજડા મંદિરના કૃષ્ણમણી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...