જામનગરની કચોરી:જામનગરની પ્રખ્યાત કચોરી દિવાળી ટાણે દેશ-વિદેશમાં ધૂમ મચાવશે, જાણો આ કચોરી કેવી રીતે તૈયાર થાય છે

જામનગરએક મહિનો પહેલા
  • બે વર્ષ બાદ ફરી લોકો જામનગરની કચોરીનો દિવાળીના તહેવારમાં સ્વાદ માણશે
  • કોરોનાના કેસની ગતિ ધીમી પડતા લોકો તથા વેપારીઓમાં આનંદ

દિવાળીના તહેવારોમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરની વિશ્વ વિખ્યાત કચોરી ગુજરાત અને દેશ સહિત વિદેશમાં પણ ધૂમ મચાવશે. બે વર્ષ પહેલા કોરોના કાળમાં લોકો તહેવારો નહોતા ઉજવી શક્યા, ત્યારે આ વર્ષે સરકારની છૂટછાટ બાદ નિયમોનું પાલન કરીને તહેવારનો આનંદ લોકો માણી શકશે.

આ કચોરી કાંઈક આવી રીતે તૈયાર થાય છે
સૌ પ્રથમ લોટ દળીને એક સરખા પ્રમાણમાં ગોરણા બનાવે છે, કચોરી માટેનો મસાલા પણ તેઓ ત્યાંજ તૈયાર કરે છે. ગોળ-ગોળ ગોરણા બન્યા બાદ તેમને ત્યાં કામ કરતા બહેનો દ્વારા લોટના ગોરણામાં મસાલો ભરવામાં આવે છે અને કચોરીનો શેઇપ આપી તેને તૈયાર કરવામાં આવે છે. જ્યારે કચોરી તૈયાર કર્યા પછી તેને સારામાં સારા ફુડલાઇટ ઓઇલમાં તળવામાં આવે છે. તેને લગભગ 10 થી 15 મીનીટ સુધી તળવામાં આવે છે અને ત્યારબાદ કચોરી તૈયાર થઇ જાય છે. તેમને ત્યાં બે પ્રકારની કચોરી બનાવવામાં આવે છે, સાદી કચોરી અને ડ્રાય ફ્રુટ કચોરી.

કચોરી તૈયાર થયા બાદ કચોરીનું પેકીંગ પણ મશીન દ્વારા કરવામાં આવે છે. સાદી કચોરીને પેકેટમાં સીધી પેક કરવામાં આવે છે અને તેના પેકેટ તૈયાર થઇ ગયા બાદ તેને મોટા બોકસમાં પેક કરવામાં આવે છે. ડ્રાયફુટ કચોરીને અલગ રીતે પેક કરવામાં આવે છે. ડ્રાયફુટ કચોરીને થોડી ઠંડી થયા બાદ મશીન દ્વારા ફોઇલ પેપરમાં એક-એક નંગ પેક કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા મશીન દ્વારા તેને ડબ્બામાં પેક કરવામાં આવે છે.

આ વર્ષે કોરોનાના કેસોની ગતિ ધીમી પડી છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે જામનગરના લોકો કચેરીનો સ્વાદ માણશે. ગુજરાત સહિત દેશમાં અને વિદેશોમાં પણ જામનગરની પ્રખ્યાત કચોરી ધૂમ મચાવશે.

અન્ય સમાચારો પણ છે...