દુર્ઘટના:જામનગર - દરિયામાં માછીમારી કરવા ગયેલો યુવાન ડૂબ્યો, મૃત્યુ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય મિત્રો કામ પતાવીને માછીમારી કરવા ગયા હતા

જામનગરના રોજીબંદર નજીકના વિસ્તારમાં આવેલી દરિયાઈ ખાડીની ચેનલમાં બુધવારે બપોરે માછીમારી કરવા માટે ગયેલા ત્રણ યુવકો પૈકીનો એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બે મિત્રો કાંઠે જ રહ્યા હોવાથી તેઓનો બચાવ થયો છે.

આ બનાવની વિગતે એવી છે કે, જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં રહેતો કેશુભાઈ બચુભાઈ સોલંકી નામો 45 વર્ષનો યુવાન તેની સાથે જ કામ કરતા રાજેશ લખમણભાઇ કોળી અને વિક્રમભાઈ કોળી સાથે રોજી બંદરે બિલ્ડીંગ મટીરીયલના કામકાજના સ્થળે સવારે મજૂરી કામે ગયો હતો.

જ્યાં ત્રણેય યુવાનોએ મજૂરી કામ પૂરૂં કરીને રોજીબંદરની નજીકમાં જ આવેલી દરિયાઈ ખાડીની એક ચેનલમાં માછીમારી કરવા માટે રોકાયા હતા. જેમાં કેશુભાઈ સોલંકી નામનો યુવાન દરિયાઈ ખાડીમાં એકાએક ડૂબવા લાગ્યો હતો, જેને તરતાં ન આવડતું હોવાથી દરિયામાં પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ સમયે તેના બે મિત્રો રાજેશ કોળી અને વિક્રમ કોળી કે જે બંને કિનારે જ માછીમારી કરતા હોવાથી તેઓનો બચાવ થયો હતો અને બંનેએ પોતાના મિત્ર કેશુભાઈને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે બહાર કાઢે તે પહેલાં જ કેશુભાઈએ વધારે પડતું પાણી પી લેતાં બેશુદ્ધ બન્યો હતો. 108ની ટુકડી આ બનાવ પછી ઘટના સ્થળે દોડી આવી હતી અને કેશુભાઈની સારવાર શરૂ કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલભાઈ ગઢવી ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકના પરિવારજનોને સ્થળ પર બોલાવી લઇ તેઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...