ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પ્રવાસી શિક્ષકો તરીકે પોતાના જ મળતિયાઓ ગોઠવી દીધા

જામનગર3 મહિનો પહેલાલેખક: સમીર ગડકરી
  • કૉપી લિંક
  • પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની હોય છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ, શિક્ષણ સમિતિએ પોતે જ નામ નક્કી કરીને મોકલી આપ્યા
  • ‘ભાસ્કર’ની તપાસથી શિક્ષણજગતમાં ભારે હડકંચ મચી ગયો

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવાસી શિક્ષકો ભરતી કરવાના હતા, જે સ્કૂલ કમિટીએ ભરતી કરવાની હોય છે, પરંતુ તેના બદલે શિક્ષણ સમિતિએ પોતે ભરતી કરી સ્કુલમાં ગોઠવી દીધા હોવાનો ભાસ્કરની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોતાના મળતીયા અને સગા-વ્હાલાઓને પ્રવાસી શિક્ષકોના નામે નોકરીની લ્હાણી કરી દેવામાં આવી હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે.

જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવેલી સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની હતી. આ માટે નિયમ મુજબ જે તે શાળાના આચાર્યની બનેલી કમિટી શિક્ષકોની ભરતી કરે તેવું હોય છે, પરંતુ આમાં મલાઈ દેખાતા સત્તાધીશોએ પોતે નિયમ વિરુદ્ધ ભરતી કરી લીધી અને તેમાં 29 જેટલા લોકોને ભરતી કરીને જે-તે સ્કૂલમાં મોકલી આપ્યા અને આચાર્યોને આદેશ કર્યો કે, આ લોકોને જોઈ લેશો. હવે જ્યારે શિક્ષણ સમિતિ ભરતી કરે તો આચાર્ય કેવી રીતે તેનો વિરોધ કરી શકે ? એવો સવાલ ઉઠ્યો છે.

‘ભાસ્કરે’ જવાબ માંગ્યો... ચેરમેને કહ્યું , ખોટું થયું હોય તો હું રદ્દ કરાવી દઉં ! શાસનાધિકારીએ કહ્યું, ઠરાવ નહીં થયો હોય તો ભરતી રદ્દ !

તો ભરતી રદ કરાશે: શાસનાધિકારી
આ પ્રવાસી શિક્ષકોની ભરતી નિયમ મુજબ આચાર્ય જે તે સ્કૂલના હોય તેમણે કરવાની હોય છે. આમાં પણ આવું થયું છે છતાં હું જોઈ લઉં છું અને ઠરાવ મંગાવી લઉં છું. જો તેમ નહીં થયું હોય તો આ ભરતી રદ કરવામાં આવશે. - ફાલ્ગુનીબેન પટેલ, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર.

બધુ નિયમ મુજબ થયું છે: ચેરમેન
પ્રવાસી શિક્ષકોને બધાને લાયકાત મુજબ લેવામાં આવ્યા છે. આચાર્યો મંજુર કરે એ બાદ જ આ પ્રવાસી શિક્ષકોને લેવામાં આવશે. આમ, છતાં પણ આમાં કંઈ ખોટું હોય તો તમે મને કહો, હું રદ્દ કરાવી દઉં. - મનિષભાઈ કનખરા, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર.

પ્રવાસી શિક્ષકોની ભરતી માટેનો આ છે નિયમ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી હોય તો જે તે શાળામાં બનેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ બેઠક બોલાવી લાયકાતવાળા ઉમેદવારોને ચકાસી તેને પસંદ કરી તેના નામનું ઠરાવ કરી શિક્ષણ સમિતિને મોકલવાનું હોય છે, પરંતુ આમાં તો ઉંધા કાન પકડાવાયા છેે. અહિંયા શિક્ષણ સમિતિએ પોતે જ બધું નક્કી કરીનેે આચાર્ય પર પ્રવાસી શિક્ષકો ઠોકી બેસાડાયા છે.

અન્ય સમાચારો પણ છે...