જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા બાવન જમાતના પ્રમુખની ઓફિસ અને કારમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈછે, અને પોલીસટુકડી દોડતી થઈ છે. આ પ્રકરણમાં સામા પક્ષે બાવન જમાતના પ્રમુખના બે પુત્ર સહિતના શખ્સો સામે મસીતિયાના એક યુવાનને માર મારી હાથ પગ ભાંગી નાખવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. પૈસાની લેતી દેતીના મામલે આ તકરાર થયાનું સામે આવ્યું છે.
આ બનાવની વિગત એવી છેકે, જામનગરમાં કિસાન ચોક ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા જૂમાભાઇ દોશમામદભાઈ ખફી ઉ.72 કે જે બાવન જમાતના પ્રમુખ છે, જેમની ઓફિસ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી છે. જ્યાં કેટલાક શખ્સો ધોકા- પથ્થર જેવા હથિયારો સાથે પહોંચી ગયા હતા, અને બાવન જમાતના પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરી નુકશાની પહોંચાડી હતી. ઉપરાંત ઓફિસની બહાર તેઓની કાર પાર્ક કરવામાં આવી હતી તે કારમાં પણ તોડફોડ કરી નુકશાની પહોંચાડવામાં આવી હતી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે જુમાભાઈ ખફીની ફરિયાદના આધારે તોડફોડ અને નુકસાની કરવા અંગે મસિતિયા ગામના અયુબ દોસ્તમહમદ, હાજી અયુબ, હાજી ખફી અને શિવા નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીઓ હાલ નાસી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.
દરમિયાન સામા પક્ષે જામનગર તાલુકાના મસિતિયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હાજીભાઈ હમીરભાઈ ખફી નામના યુવાને પોતાના ઉપર ધોકા- પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે બાવન જમાતના પ્રમુખ જુમાભાઇના બે પુત્રો અસરફ જુમ્માભાઈ ખફી અને આરીફ જુમાભાઈ ઉપરાંત ફિરોજ ઉર્ફે ટીટી નસરુદ્દીન ખફી, રફીક નસરુદ્દીન ખફી, અને તેના એક અજાણ્યા સાગરિત સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર આજથી પાંચેક મહિનાની પૈસાની લેતી દેતીના મામલે ગઈકાલે ઝઘડો થયો હતો. યુવાન પર તમામ છ શખ્સોએ હીચકારો હૂમલો કરી દીધો હતો. જેથી તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.