પ્રશ્નનું નિરાકરણ ક્યારે?:જામનગર મનપાએ 1404 આવાસોને અંતે ફરી નોટિસ આપી હાથ ઉંચા કર્યા

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લોક રીપેર કરો અથવા ખાલી કરીને ચાલ્યા જાવ, જવાબદારી તમારી: મહાપાલિકા

જામનગરની મહાનગરપાલિકાએ બનાવેલી સૌપ્રથમ 22 વર્ષ પહેલાની અંધાશ્રમ પાસેની 1404 આવાસ હવે અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં થઈ ગયા છે. પરંતુ તેની જાળવણી કોણ કરે અને આ બાબતે મનપાએ પોતાના હાથ ઉંચા કરી દીધા છે અને ત્યાં રહેતા લોકોને રીપેરીંગ કરવા અથવા તો મકાન ખાલી કરવા નોટિસ આપતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જો કે, લોકો પોતાની રીતે રીપેરીંગ કરવા સમર્થ નથી અને મહાપાલિકા રીપેર કરી દે તેમ છે નહીં તો આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે આવશે તે સવાલ છે. જામનગર મહાનગરપાલિકાએ 2000ની સાલમાં અંધાશ્રમ ફાટક પાસે આવાસ યોજનાનું નિર્માણ કર્યું હતું જેમાં 1404 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. 3 માળના બનાવવામાં આવેલા આ ફ્લેટ હવે તો જામનગરના મુખ્ય વિસ્તારમાં આવી ગયા છે તેમજ આ જગ્યાની કિંમત પણ વધી ગઈ છે.

દરમિયાન 22 વર્ષ પહેલા બનેલા આવાસ યોજનાના ફ્લેટ અને બિલ્ડીંગ હવે અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. 4 વર્ષથી દર વખતે ચોમાસા પહેલા મહાપાલિકા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી પોતાની કામગીરી કર્યાનો સંતોષ માને છે. હવે મહાનગરપાલિકાએ ફરી એકવાર 1404 આવાસોને નોટિસ આપી છે જેમાં જણાવ્યું છે કે, ભાડા કરારની જોગવાઈ મુજબ મરમ્મત તથા નિભાવણી જે તે ફ્લેટ ધારકોએ કરવાની રહે છે.

જો કોઈ આવાસનો બ્લોક કે ફ્લેટ ભયજનક સ્થિતિમાં હોય તો તેને રીપેરીંગ કરાવી લેવું અથવા તાત્કાલિક અસરથી તેનો વપરાશ બંધ કરવો અન્યથા જો અકસ્માત સર્જાશે તો મહાપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહી. આમ, નોટિસ આપીને મહાપાલિકાએ પોતાના હાથ ઉંચા કરી લીધા છે. જ્યારે ફ્લેટ ધારકોની પરિસ્થિતિ રીપેર કરાવવા જેવી નથી ત્યારે હવે આ મુદ્દે નિરાકરણ કેવી રીતે આવશે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...