અસરગ્રસ્તોની મુલાકાત:જામનગરના સાંસદ પૂનમબેન માડમે 6 પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી શક્ય તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ
  • સાંસદની સાથે મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોકસંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સાંસદે જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના, અલીયા, મોટી બાણુગર, રામપર, ધુતારપર, ધુળસિયા તેમજ કાલાવડ ગામની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું.

સાંસદે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ મુલાકાતમાં સાંસદની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, પ્રાંત અધિકારી અક્ષય બુદાણીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર ગ્રામ્ય, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન વિભાગ, પી.જી.વી.સી.એલ વિભાગ તથા સંગઠનના પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...