સુનાવણી:જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના રૂ. 4 કરોડના ખંડણી વસુલાત પ્રકરણની આવતીકાલે કોર્ટમાં સુનાવણી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે ગુરૂવારે રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે
  • પીડિતે ચૂકવેલી રકમમાંથી કેટલી રકમ પરત મળવાપાત્ર છે તે અંગે દલીલો કરાશે

જામનગરના એક નાગરીક પાસેથી કુખ્યાત જયેશ પટેલ અને તેના સાગરીતોએ વસુલેલી રૂપિયા ચાર કરોડના ખંડણી પ્રકરણમાં આવતીકાલે ગુરૂવારે રાજકોટ કોર્ટમાં દલીલો હાથ ધરાશે. ભોગ બનેલા નાગરિકને કેટલી રકમ પરત કરી શકાય એ બાબત પર બંને પક્ષની દલીલો બાદ કોર્ટ નિર્ણય કરશે.

જયેશ પટેલના હસ્તે ભોગ બનનારા જામનગરના એક નાગરીકે નામદાર કોર્ટમાં અરજી કરી રજૂઆત કરી હતી કે તેમણે જયેશ પટેલને ખંડણી સ્વરૂપે 4 કરોડ રૂપિયા આપેલા છે. જેના પુરાવા પણ તેમણે તપાસનીશ અમલદાર સમક્ષ રજૂ કર્યા હતા. આ અરજીના જવાબમાં સંપૂર્ણ વિગતો સાથે તપાસનીશ પોલીસ અધિકારીએ વકીલ એસ. કે. વોરા મારફતે વિગતો જાહેર કરી સાહેદોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા.

જેમાં ભોગ બનેલા નાગરીકે જયેશ પટેલને આંગડીયા મારફતે રૂપિયા 4 કરોડની ખંડણી ચૂકવી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આરોપીઓ પાસેથી ખંડણીની જે રકમ જપ્ત કરવામા આવી છે તે કુલ ખંડણીની રકમ પૈકી ફક્ત 35 ટકા જ રકમ જપ્ત થયેલી છે. જેને લઈને આ રીતે આવતીકાલે ગુરૂવારે રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં ભોગ બનેલા નાગરીકને તેમણે ચૂકવેલી ખંડણીની રકમમાંથી કેટલી રકમ પરત મળવાપાત્ર છે તે અંગે દલીલો કરવામાં આવશે.