જામનગર શહેરની સરકારી વિભાજી હાઈસ્કૂલમાં ફાયર સેફ્ટીના મુદ્દે સીલ લાગ્યું હોવાનું જણાવીને હવે પરીક્ષા આવે છે જેથી વિદ્યાર્થીઓને અગવડતા પડે છે તેવો સવાલ ઉપાડીને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ફાયર ઓફિસ સામે તા. 16 એપ્રિલને શનિવારે ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરતા ભારે ચકચાર જાગી છે. કારણ કે, ફાયર વિભાગને આ મુદ્દા સાથે કોઈ લેવા દેવા જ નથી. તેમણે તો સરકારી નિયમ અને હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું છે.
ખરેખર તો એનએસયુઆઈ અને કોંગ્રેસે જેમણે ફાયર સિસ્ટમ ફીટ નથી કરાવી હજુ સુધી તે શિક્ષણ વિભાગ સામે ધરણાં કરવા જોઈ તેની બદલે ફાયર વિભાગ સામે ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરતા અનેકના ભવા અધ્ધર થઈ ગયા છે. જામનગર શહેરની સરકારી વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટી મુદ્દે લાગેલા સીલને એનએસયુઆઈ અને કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે, પરંતુ તેમાં પણ તે ગોથું ખાઈ ગયા.
વિભાજી સ્કૂલના ઉપરના બે માળ ગુજરાત હાઈકોર્ટ અને સરકારના નિયમ પ્રમાણે સીલ થયા છે જેમાં ફાયરે કાંઈ કરવાનું રહેતું નથી. આ મુદ્દો શિક્ષણ વિભાગનો છે છતાં પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ બંને આ મુદ્દે ઠેકી પડી અને વિદ્યાર્થીઓને અગવડતા પડે છે તે મુદ્દે ફાયર વિભાગ સામે ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરી જેનો બુદ્ધિજીવીઓએ ટકોર કરતા કહ્યું કે, આ મુદ્દો શિક્ષણ વિભાગનો છે તેમણે ફાયરના સાધનો નાખવાના હોય છે. ફાયરે તો પોતાનું કામ કર્યું છે હવે શિક્ષણ વિભાગે કરવાનું છે. તો પછી ફાયર સામે ધરણાં કરીને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ શું સાબિત કરવા માંગે છે ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
ચીફ ફાયર ઓફિસર કહે છે...
અમે નિયમ મુજબ કામગીરી કરી છે, વારંવાર ચેતવણી આપી હતી
ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે, જે સ્કૂલ અથવા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેમને તાત્કાલિક સીલ મારી દેવા વિભાજી સ્કૂલમાં અનેક ચેતવણીઓ આપવા છતાં તેઓએ કોઈ ગંભીરતા ન દાખવતા અંતે સીલ કરવું પડ્યું છે, પરંતુ સીલ પણ ઉપરના બે માળ જ કર્યા છે જેથી શિક્ષણ બગડે નહી. આમાં ફાયરની કોઈ જ ભૂમિકા નથી. > કે.કે. બિશ્નોઈ, ચીફ ફાયર ઓફિસર, જામનગર.
જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું...
3 મહિના પહેલા માંગણી છતાં રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી નથી
શહેરની વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે 3 મહિના પહેલા રૂા.4થી 5 લાખની ગ્રાન્ટ માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી નથી જેના કારણે વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી થઈ શકી નથી.> બી.એસ. કૈલા, ઈન્ચાર્જ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.