આયોજન:જામનગર જિલ્લાના ધો. 9 થી 12ના છાત્રો માટે સ્ટેમ ક્વિઝનું આયોજન

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધામાં જોડાવવા 19મી સુધીમાં આેનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત

ગુજરાત કાઉન્સિલ ઓન વિજ્ઞાન એન્ડ ટેક્નોલોજી, વિજ્ઞાન પ્રૌધોગિકી વિભાગ-ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત ક્ષેત્રે જ્ઞાનમાં અભિવૃધ્ધિ થાય તેવા આશયથી સમગ્ર ગુજરાત રાજ્યના ધો. 9 થી 12માં અભ્યાસ કરતાં છાત્રો માટે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત-સ્ટેમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આ ક્વિઝ જિલ્લા અને રાજય કક્ષાની સ્પર્ધા ઓનલાઇન માધ્યમથી યોજાશે. અંતિમ ફાઇનલ સ્પર્ધા ઓફલાઇન માધ્યમથી યોજાશે. ક્વિઝની ભાષા ગુજરાતી-અંગ્રેજીમાં હશે. ક્વિઝમાં કોઇપણ બોર્ડ અથવા માધ્યમના ધો. 9 થી 12ના છાત્રો ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશનની કોઈ ફી રખાઇ નથી એકદમ નિ:શુલ્ક છે.

ક્વિઝમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો હશે. તે પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના હશે. સ્પર્ધામાં છાત્રોને 1 કરોડ સુધીના ઈનામો અપાશે અને ભાગ લેનાર તમામ છાત્રોને ઈ-સર્ટિફિકેટ અપાશે. આ સ્પર્ધામાં સામેલ થવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

રજીસ્ટ્રેશન 19 જાન્યુઆરી પહેલા https://gujcost.co.in પર ઓનલાઇન કરવાનું રહેશે. જામનગર જિલ્લામાંથી રસ ધરાવનાર શાળા કે વિદ્યાર્થીઓ વધુ માહીતી માટે એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના ડૉ. સંજયભાઈ પંડ્યા મો. 99792 41100નો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સામેલ થાય તેવો અનુરોધ હરસુખભાઈ મહેતા, ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ કરેલ.

અન્ય સમાચારો પણ છે...