જિલ્લા પંચાયતના ભ્રષ્ટાચારના 3 પ્રકરણોમાં સામાન્ય સભામાં ખુદ પ્રમુખ સ્થાનેથી જ જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ સામે ફોજદારી સહિતના પગલા લેવા 3 પ્રકરણો અંગે 4 દરખાસ્ત કરવામાં આવતાં આવતા સામાન્ય સભામાં તેને સર્વાનુમતે બહાલી મળતાં અગામી દિવસોમાં જવાબદારો સામે પગલા તોળાઈ રહ્યા છે.
ગત તા.10ની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાના અધ્યક્ષ સ્થાનેથી ફલ્લા ગામે ગૌશાળાની દિવાલ હયાત હોવા છતાં નવી દીવાલ બન્યાનું જણાવીને તેનું ચુકવણું પણ કરી નાંખવામાં આવ્યું હોવાની ગામના લોકો અને ગૌશાળાના ટ્રસ્ટીઓએ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ડીડીઓને રજુઆત કરી હતી. તેથી અધ્યક્ષસ્થાનેથી પંચાયતના જવાબદાર અધિકારી-કર્મચારીઓ સહિતના સંડોવાયેલા લોકો સામે ફોજદારી રાહે પગલા લેવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભ્રષ્ટાચારના આવા જ બીજા પ્રકરણમાં ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે માર્ગો ખરાબ થઈ ગયા હોવાથી તાબડતોબ રીપેરીંગ સહિતના કામો ચાલુ કરવામાં આવ્યા હતા.
જેમાં લાલપુર તાલુકાના પડાણા-રંગપર-દલતુગીને જોડતા રોડના કામમાં ગેરરિતી તથા નિયમ વિરૂધ્ધ વર્ક ઓર્ડર આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી વર્ગ-3 કક્ષાના કર્મચારી સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવા તેમજ વર્ગ-1 અનેર કક્ષાના ઈજનેરો સામે સરકારમાં તાત્કાલિક અહેવાલ કરવા ઠરાવ થયો હતો. આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારની મેટલ (રેતી-કપચી) નહીં વાપરવા છતાં મેઝરમેન્ટ બુકમાં મેટલના માપો પણ લખવામાં આવ્યા હોવાના મુદે પણ જવાબદારો સામે નાણાકિય ઉચાપતના ષડયંત્ર અંગે ફોજદારી કાર્યવાહી કરવા ઠરાવ કરાયો હતો.
આ પ્રકરણમાં ડીડીઓ મિહિર પટેલ સુધી મામલો પહોચી જતાં તાત્કાલિક ધોરણે પેમેન્ટ અટકાવાયું હોવાનું સુત્રો જણાવે છે. પંચાયતની બાંધકામ શાખા હેઠળ જુદી-જુદી શાખાઓમાં અધિકારીઓની ચેમ્બરોના રીનોવેશન અંગે નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવાને બદલે એક જ પ્રકારના કામના 9 જેટલા વર્ક ઓર્ડર આપીને કામ કરાવી લેવામાં આવ્યા હોવાથી આ મામલે પણ વર્ગ-3ના કર્મચારી સામે કડક કાર્યવાહી કરવા અને વર્ગ- 1.2ના ઈજનેરો વિરૂદ્ધ સરકારમાં અહેવાલ કરવા ઠરાવ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.