તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપોઝ:જામનગર કોર્પોરેશને લેબ ટેક્નિશિયનની પરીક્ષાનું પરિણામ બીજીવાર બહાર પાડ્યું!

જામનગરએક મહિનો પહેલાલેખક: સમીર ગડકરી
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરીક્ષાના પરિણામમાં ચોક્કસ વિદ્યાર્થીઓના માર્કસમાં ધરખમ વધારો થતાં ઉહાપોહ: ઊંડી તપાસ માંગતું પ્રકરણ

વિવાદોમાં રહેવા ટેવાયેલી જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં લેવાયેલી લેબ ટેક્નિશિયનની ભરતી માટેની પરીક્ષા માટેનું પરિણામ બે વખત જાહેર કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બીજી વખત જાહેર થયેલા પરિણામમાં અમૂક ઉમેદવારોના માર્કસ 5 સુધી વધારી દેવામાં આવ્યા છે જે અત્યંત શંકા ઉપજાવે તેવી બાબત છે. આ બાબતે હવે યોગ્ય તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લેબ ટેક્નિશિયનની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે 13 જગ્યાઓ નક્કી કરવામાં આવી હતી.

આ જાહેરાતમાં અનેક યુવક-યુવતીઓએ અરજીઓ કરી હતી જેની લેખિત પરીક્ષા જુન માસમાં લેવાઈ હતી જેનું પરિણામ 18 ઓગસ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ પ્રમાણે મેરિટ ગણવાનું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે 5 દિવસ બાદ આ ભરતીમાં કંઈક રંધાઈ ગયું હોય તેમ બીજુ પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ પરિણામમાં અમૂક વિદ્યાર્થીઓ 5 માર્કસ જૂના રિઝલ્ટ કરતા વધુ મળી ગયા છે ! જેના કારણે અનેક લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. એવી તો શું ભૂલ થઈ કે, પરિણામ બે વખત બહાર પાડવા પડે !? આ અંગે યોગ્ય તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.

સવાલ સવામણનો ! : સવાલ 3 જ પ્રશ્નનો હતો, તો 5 માર્કસ કેવી રીતે વધી ગયા ?
લેબ ટેક્નિશિયનની પરીક્ષામાં મહાપાલિકાના અધિકારીઓ જણાવે છે કે, 3 પ્રશ્નોના માર્કસ આપવાનો પ્રશ્ન હતો એટલે રિઝલ્ટ બહાર પાડ્યું, પરંતુ ત્રણેય પ્રશ્નો સાચા હોય તો 3 માર્કસ મળે. જ્યારે અમૂક વિદ્યાર્થીઓને તો 4 અને 5 માર્કસ મળી ગયા છે તે કેવી રીતે શક્ય બને ? તે જ મુખ્ય તપાસનો વિષય છે.

13 પરીક્ષાર્થીઓના 5-5 માર્કસ વધારી દેવાયા
નવા પરિણામમાં વિદ્યાર્થીઓને આશ્ચર્યજનક રીતે માર્કસ વધી ગયા તેમાં 5 માર્કસ 13 વિદ્યાર્થીઓને, 4 માર્કસ 49 વિદ્યાર્થીઓને, 3 માર્કસ 102 વિદ્યાર્થીઓને, 2 માર્કસ 86 વિદ્યાર્થીઓને, 1 માર્કસ 67 વિદ્યાર્થીઓને વધી ગયા છે. જ્યારે 24 વિદ્યાર્થીઓને માર્કસ જૂના પ્રમાણે રહ્યા છે, જ્યારે 9 વિદ્યાર્થીઓનો 1 માર્કસ ઘટી ગયો છે અને 1 વિદ્યાર્થીના 2 માર્કસ ઘટી ગયા છે.

ભૂલ હતી એટલે સુધારો કર્યો: DMC
લેબ ટેક્નિશિયનની લેવાયેલી પરીક્ષાના પહેલા રિઝલ્ટમાં ભૂલ હતી એટલે તેને સુધારીને નવું રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે. કોમ્પ્યુટર સોફ્ટવેરમાં કંઈક વાંધો હતો, એક-બે કમ્પલેઈન આવી હતી, હજુ પણ કંઈ ભૂલ હોય તો ધ્યાન દોરજો.- એ.કે. વસતાણી, ડીએમસી, જામ્યુકો. જામનગર.

3 પ્રશ્નોના માર્કસ મૂક્યા છે: એએમસી
આ પરીક્ષા એજન્સી દ્વારા લેવામાં આવી હતી, પરંતુ 3 પ્રશ્નો એવા હતા જેના માર્કસ આપવા કે ન આપવા તે બાબતે અવઢવ હતું એટલે એજન્સીએ ધ્યાન દોર્યું અને એક-બે ફરિયાદ મળી એટલે રિઝલ્ટ બીજીવાર બહાર પાડવામાં આવ્યું.- ભાર્ગવ ડાંગર, એએમસી, જામ્યુકો, જામનગર.

પરીક્ષા લેનાર એજન્સીના ગોટાળા કે મળતિયાઓને ગોઠવવાનો કારસો ?
લેબ ટેક્નિશિયનની ભરતીમાં બે પરિણામોની અનેક પ્રશ્ન ઉભા થયા છે. પરીક્ષા લેનાર એજન્સી આના માટે જવાબદાર છે કે પછી રાજકીય અને અધિકારીઓ દ્વારા પોતાના મળતિયાઓને નોકરીમાં ગોઠવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે ? તે પ્રશ્ન પરીક્ષાર્થીઓમાં ઉઠવા પામ્યો છે જેના માટે નિષ્પક્ષ તપાસ જ એક માત્ર રસ્તો છે.

અન્ય સમાચારો પણ છે...