કોંગ્રેસનેતાએ શરીર પર કેરોસિન છાંટ્યું:જામનગરમાં જ્યાં મુખ્યમંત્રી હાજર હતા ત્યાં બહાર પોલીસની હાજરીમાં જ શહેર કોંગ્રેસ-પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

જામનગર4 દિવસ પહેલા
  • લમ્પી વાઇરસમાં સરકારની ઢીલી કામગીરીને લઈને કોંગ્રેસ નારાજ
  • દિગુભા જાડેજા કોંગ્રેસના મહામંત્રીએ શરીર પર કેરોસિન છાંટતાં જ પોલીસે પકડ્યા

રાજ્યભરમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધું હતું. જોકે આત્મવિલોપન કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.

દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલું પોતાના શરીરે છાંટ્યું
કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલું પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે. જોકે મુંખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક હજુ ચાલુ છે.

મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાઇરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સિટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી વાઇરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભી કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગતા અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.

જિલ્લામાં સવા લાખથી વધારે પશુઓમાં સંક્રમણ ફેલાયું
જામનગર જિલ્લામાં અત્યારસુધીમાં 1 લાખ 38 હજાર 176 પશુમાં લમ્પી વાઇરસ ફેલાયો છે, જેમાંથી 11 હજાર 456 પશુનું રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે. જ્યારે લમ્પી વાઇરસને કારણે શહેર અને જિલ્લામાં 106 પશુનાં મોત નીપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...