સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અન્ડર 16 વયજૂથની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે જામનગર ડિસ્ટ્રિક્ટની ટીમે જૂનાગઢ ગ્રામ્યની ટીમ સામે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. જામનગરની ટીમે પ્રથમ બેટિંગ કરી નિર્ધારિત 40 ઓવરમાં 231 રન ફટકાર્યા હતા. જેમાં કેપ્ટન જય રાવલિયાના 82 રન મુખ્ય હતા. રન ચેજ કરવા મેદાને ઉતરેલી જૂનાગઢ ગ્રામ્યની ટીમ માત્ર 153 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જામનગરની ટીમના બોલર નિસર્ગ કાસુન્દ્રાએ 6 ઓવરમાં 12 રન આપીને 5 વિકેટ ઝડપી જૂનાગઢની ટીમની કમર તોડી નાખી હતી. જેથી જામનગર શહેરની ટીમનો 78 રનથી શાનદાર વિજય થયો હતો.
જામનગરના અજિતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત અન્ડર 16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ડીસ્ટ્રીકટ અને જૂનાગઢ ગ્રામ્યની ટીમ વચ્ચે લીગ મેચ રમાઈ હતી. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. નિર્ધારિત 40 ઓવરની આ મેચમાં કેપ્ટન જય રાવલિયા અને પુષ્પરાજ જાડેજાએ ઓપનિંગમાં ઉતર્યા હતા. જામનગરની ધીમી પરંતુ મક્કમ શરૂઆત બાદ 28 રનના સ્કોરે પુષ્પરાજ આઉટ થયા હતા. ત્યારબાદ જય રાવલિયા અને નિશ્ચયએ બાજી સાંભળી હતી અને જામનગર ડિસ્ટ્રીકટની ટીમ નિર્ધારિત 40 ઓવરમાં 4 વિકેટના ભોગે 231 રનનો ટાર્ગેટ જૂનાગઢ ગ્રામ્યની ટીમ સમક્ષ રાખ્યો હતો. જેમાં જય રાવલિયાના શાનદાર 82 રનનો સમાવેશ થાય છે. જ્યારે નિશ્ચયએ 46 રન, પ્રિયાન્સ મંગેએ 17, નિસર્ગ કસુંદ્રાએ 14* અને ફ્રેહાન જડિયાએ 16* રન બનાવ્યા હતા.
જૂનાગઢની ટીમે 28 રન એક્સ્ટ્રા આપ્યા હતા. 232 રનના ટાર્ગેટને ચેજ કરવા મેદાને ઉતરેલી જૂનાગઢની ટીમ જામનગરની બોલિંગ સામે ટકી શકી ન હતી અને 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જામનગર તરફથી નિસર્ગ કાસુન્દ્રાએ 6 ઓવરમાં 12 રન આપી મહત્વની પાંચ વિકેટ પ્રાપ્ત કરી હતી. આમ જામનગરનો 78 રનથી વિજય થયો હતો. જામનગર ડિસ્ટ્રીક્ટની ટીમ હવે રાજકોટની ટીમ સામે કવાર્ટર ફાઈનલ રમશે.
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ અંતર્ગત રાજ્યમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા એસોસિયેશન એમ ત્રણ સંસ્થાનો છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત આ ટુર્નામેન્ટ જામનગર, પોરબંદર, રાજકોટ અને ભાવનગર એમ ચાર સ્થળોએ રમાઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીઓની સૌરાષ્ટ્રની અન્ડર 16 જૂથમાં પસંદગી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.