સૂચના:ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને જામનગર પ્રશાસન એલર્ટ, ઉપરાછાપરી ફરમાન જારી કરાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લામાં 268 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે
  • પરવાનાવાળા હથિયારો પણ સાત દિવસમાં જમા કરાવવા, ચાર વ્યકિતઓએ એકઠા ન થવા સહિતના જાહેરનામા, ઉમેદવારો અંગે પણ સૂચના
  • ખબરદાર, મકાનમાલિકની પરવાનગી વિના નોટિસ, બેનર કે સૂત્રો લગાડ્યા છે તો...!

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજકીયપક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચારસંહિતા મુજબ કોઇ રાજકીયપક્ષો અને ઉમેદવારો પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સુત્રો વિગેરે લખવા માટે મકાન માલીકની પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વિગેરેનો ઉપયોગ કરવા દેશે નહી અને જાહેર મિલ્કત ઉપર આવુ કૃત્ય કરશે નહી તેવી નીતિ નક્કી કરવામાં આવેલ છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પી. પંડ્યા, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(1)(છ) તળે તેમને મળેલ સત્તાની રૂએ આચાર સંહિતાના પાલન માટે ઉક્ત નિર્દિષ્ટ કાર્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

જામનગર જીલ્લાની હદમાં કોઇપણ વ્યકિતએ તા.24 ડિસેમ્બર સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડની દિવાલ સહિત) વિજળી અને ટેલીફોનના થાંભલાઓ ઉપર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઇપણ ચૂંટણી અંગેનુ બેનર,ચિન્હો, સહિત કોઇપણ સાહિત્યનુ લખાણ અથવા ટેલીફોનના થાંભલાના આધારે અથવા કોઇપણ મકાનોના આધારે રસ્તાઓ ઉપર કોઇપણ બેનર, પોસ્ટર, ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવુ નહી તેમજ કમાનો ઉભી કરવી નહી, ઉપરોક્ત જણાવેલ મકાનો સિવાયના મકાનો ઉપર (કમ્પાઉન્ડની દિવાલ સહિત) ચૂંટણી પ્રચાર સંબધિત કોઇપણ પોસ્ટર, લખાણ, ચિન્હ, મકાન માલીક/કબ્જેદારની પૂર્વ મંજુરી સિવાય ચોંટાડવુ, ચિતરવુ અથવા પ્રદર્શિત કરવુ નહી. જાહેરનામાનુ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 (1) મુજબ ઓછામાં ઓછા 4 મહીનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.

લાઉડ સ્પીકર વગાડવા હોય તો હવે મામલતદારને પૂછો
જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે દરમિયાન ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલા હોય, તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમ જ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર ડો.સૌરભ પારઘી દ્વારા ચૂંટણીના હેતુ તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુ માટે માંગવામાં આવતી પરવાનગીના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે તા.24 ડિસેમ્બર સુધી ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી, ચૂંટણી સભા સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી માટે સંબંધિત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા પરવાનગી અંગેની પ્રક્રિયા કરવામાં આવશે તેમ આદેશ કરવામાં આવેલ છે.

સુલેહ શાંતિનો ભંગ ન થાય એ માટે હથિયારો સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ મૂકાયો
જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આદર્શ આચાર સંહિતા લાગુ પડેલ છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇપણ રાજકીય પક્ષ કે કોઇપણ વ્‍યકિત/સંસ્‍થા દ્વારા ચૂંટણી સંબંધી સભા, સરઘસ, રેલી કે તેવો કોઇપણ કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે ચૂંટણી સંબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્‍થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી,

આથી ચૂંટણી યોજાનાર વિસ્‍તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ મિતેશ પી. પંડ્યાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144(એ) તળે તેઓને મળેલ સતાની રૂએ, આત્‍મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો(અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર સાથે સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્‍થળે ફરવા ઉપર તા.24 ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા તથા સ્‍વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજુર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજીસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એકસાઇઝ, પોર્ટ, રેલ્વે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ-કર્મચારીઓ, ફરજની રૂએ જેમને હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડનાં જવાનો તેમજ જેમને મુકિત અપાયેલી હોય તેવા વ્‍યકિતગત પરવાનેદારોને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગરના જાહેરનામા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...