દેવભૂમિ દ્વારકાના જામ સલાયા બંદરેથી માલ ભરીને ઓમાન જઈ રહેલા વહાણમાં મસ્કત નજીક ભીષણ આગ લાગતા 1200 ટન કેપેસિટીના વહાણે જળસમાધિ લીધી હતી. વહાણ પર સવાર 22 ખલાસીઓને અન્ય વહાણ દ્વારા બચાવી લેવાયા હતા.
દેવભૂમિ દ્વારકાના જામ સલાયાના 'અલ ખીજર' નામના માલવાહક વહાણમાં ઓમાન દરિયામાં આગ લાગ્યા બાદ જળસમાધિ લીધી હોવાની વિગતો સામે આવી છે. 1200 ટન કેપેસિટીનું 'અલ ખીજર' નામનું વહાણ ઓમાન જઈ રહ્યું હતું. ત્યારે મસ્કત નજીક દરિયામાં અચાનક વહાણમાં આગ લાગતા વહાણ પર સવાર 22 ખલાસીઓને અન્ય વહાણના ખલાસીઓ દ્વારા બચાવી લેવાયા હતા. જ્યારે વહાણ સંપૂર્ણ આગને હવાલે થઈ ગયા બાદ પાણીમાં ગરકાવ થયું હતું.
સલાયામાં જળસમાધિ લેનાર વહાણનું નામ 'અલ ખીજર' હોવાનું સામે આવ્યું છે. તેનો રજિસ્ટ્રેશન નંબર BDI 1496 છે અને તેના માલિકનું નામ સલીમ ઈસ્માઈલ ભાયા છે. માલવાહક વહાણ પર સવાર તમામ ખલાસીઓનો બચાવ થતા સલાયામાં રહેતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ જામ સલાયાથી પોરબંદર જઈ રહેલા એક માલવાહક વહાણે જળસમાધિ લીધી હતી.
પ્રથમ સફર જ અંતિમ સફર બની
ઓમાન પાસે દરિયામાં જળસમાધિ લેનાર જામ સલાયાના 'અલ ખજીર' નામના વહાણની આ પ્રથમ જ સફર હોવાનું જાણવા મળ્યું છે. કમનસીબે વહાણની પ્રથમ સફર જ અંતિમ સફર બની રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.