જામનગરની 78 ઉત્તર વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસમાંથી જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી મેદાને ઉતર્યા છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને વિજય બનાવવા રાજપૂત સમાજને અપીલ કરી છે. જેને લઈ જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રિવાબાને જીતાડવા જાડેજાએ એડીચોટીનું જોર લગાવ્યું
એક તરફ જામનગરની ઉત્તર વિધાનસભા બેઠક પર રિવાબાને જીતાડવા રવીન્દ્ર જાડેજા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ઠેર-ઠેર રોડ શો કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપિલ કરી છે. રવિન્દ્ર જાડેજાની બહેન પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરી રહી છે.
પરિવાર એક પણ વિચારો અલગ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ એક વીડિયો બનાવીને કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાને વિજય બનાવવા રાજપૂત સમાજને અપીલ કરી છે. ત્યારે જામનગર 78 વિધાનસભા બેઠક પરના ઉમેદવાર રિવાબા જાડેજાના સસરાએ કોંગ્રેસને જીતાડવા અપિલ કરતા એક જ પરિવારની અલગઅલગ વિચારસરણી જોવા મળી છે.
કોંગી ઉમેદવારને વિજય બનાવવા વિનંતીઃ અનિરુદ્ધસિંહ જાડેજા
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ વીડિયો દ્વારા જણાવ્યું કે, હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં જામનગરના ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર એવા મારા નાના ભાઈ જે રાજપુત સમાજના ખાસ વ્યક્તિ છે તેઓને વિજય બનાવવા મારી નમ્ર વિનંતી છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસનો સમય છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ ભાજપના ઉમેદવાર રિવાબાના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપિલ કરી છે. જેને લઈ રાજકારણ હાલ ગરમાયું છે.
નણંદ-ભાભી સામસામે કરી રહ્યાં છે પ્રચાર
જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને જામનગર ઉત્તરમાંથી ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી. જો કે કોંગ્રેસે નયનાબાને બદલે બિપેન્દ્રસિંહ જાડેજાની ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેથી નયનાબાએ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ રિવાબા પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે. જ્યારે તેમના પતિ રવિન્દ્ર જાડેજા પણ પત્ની સાથે પ્રચારમાં જોડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.