રિમાન્ડની તજવીજ:વાલકેશ્વરીનગરીમાં થયેલી ઘરફોડ ચોરીની મુખ્ય સૂત્રધાર મહિલા ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા.8 લાખ 5 હજારની રોકડ રકમ કબજે કરાઈ

જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં 2 મહિના પહેલા એડવોકેટના મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલી મુખ્ય સૂત્રધાર એવી મહિલા આરોપીને પોલીસે રૃા.૮ લાખની રોકડ સાથે પકડી પાડી છે. શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં વસવાટ કરતા એડવોકેટ રાજેશ શેઠના મકાનમાં સાતમ આઠમના તહેવારોમાં ચોરી થઈ હતી. તે મકાનમાંથી તસ્કરો ચાલીસ તોલા સોનુ, દોઢસો ગ્રામ ચાંદી, રૃા.૨૨ લાખ રોકડા અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ તફડાવી ગયા હતા. આ ગુન્હામાં મુખ્ય સૂત્રધાર તરીકે મૂળ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના બન ગામના વિમલાબેન બાબુરામ મોંગીયા (ઉ.વ.52)નું નામ ખૂલ્યું હતુંં.

આ મહિલાની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન સિટી-બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા અન્ય પોલીસકર્મી ગઈકાલે પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈ વાઢેર તથા એએસઆઈ હિતેશભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, ઉપરોક્ત મહિલા બ્રુકબોન્ડ મેદાન પાસે ઉભી છે. તે બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ વાય.જે. વાઘેલાને વાકેફ કરાયા પછી ત્યાં ધસી ગયેલા સ્ટાફે આ મહિલાને અટકાયતમાં લઈ તેના થેલાની ચકાસણી કરતા તેમાંથી રૃા.8 લાખ 5 હજાર રોકડા મળી આવ્યા હતા.

પૂછપરછ કરાતા આ મહિલાએ ઉપરોક્ત રકમ બેએક મહિના પહેલા વાલકેશ્વરી નગરીમાં કરેલી ચોરીમાં પોતાના ભાગમાં આવ્યા હોવાનું કબૂલતા પોલીસે તે રકમ ઝબ્બે લઈ વિમલાબેન મોંગીયાની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...