પોલંમપોલ ખૂલી:દિવા તળે જ અંધારૂ ; જામ્યુકોના સમર્પણ ESRના પટાંગણમાં જ ઝાડી અને ઝાંખરા ઉગી નીકળ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈન લીકેજ, ઓછા ફોર્સ અને પાણી સાથે ગટરના પાણીની ફરિયાદ

જામ્યુકોના સમર્પણ ઇએસઆરના પટાંગણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ઇએસઆર હેઠળના વિસ્તારોમાં લાઈન લીકેજ, ઓછા ફોર્સ અને પાણી સાથે ગટરના પાણીની ફરિયાદો ઉઠી છે. વોટરવર્કસ વિભાગના અધિકારીઓની મુલાકાતમાં આ તમામ ક્ષતિઓ બહાર આવી હતી.જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા સમર્પણ ઈએસઆરની બુધવારે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચારણીયાએ ઝોનલ એન્જીનીયરને સાથે રાખી મુલાકાત લીધી હતી.

આ દરમ્યાન ઈએસઆર કેમ્પસમાં પાઈપ લાઈન નાખવામાં વાપરવામાં આવતો સામાન વ્યવ્સ્થિત રીતે ગોઠવવા તથા કેમ્પસની અંદર ચોમાસા દરમિયાન ઉગી નીકળેલ ઝાડી અને ઝાખરાને કાપીને કેમ્પસ ચોખ્ખું કરવા સૂચના આપવામાં આવી હતી.આ ઈએસઆર ખાતેથી દિગ્જામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ, દિગ્જામ સર્કલથી ખોડીયાર કોલોનીથી ધરારનગર સુધીના વિસ્તારોમાં દૈનિક 13 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે.

આ વિસ્તારોમાં લાઈન લીકેજીસ, પાણીનું પ્રેસર ઓછુ હોવું, પીવાના પાણી સાથે ગટરના પાણી ભળવાની ફરિયાદોને અનુલક્ષીને ઝડપથી ફરિયાદ નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી. ઉપરાંત લોકોને ક્લોરીનવાળું પાણી પહોચે તેની તકેદારી રાખવા જણાવાયું હતું.

મોબાઇલ, ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે
સમર્પણ ઈએસઆર હેઠળ આવતા વિસ્તારોમાં પાણીને લગત ફરિયાદો હોય તો ઈએસઆરના મોબાઇલ નં. 9925248407 માં સંપર્ક કરવાનો રહેશે તેમજ ટોલ ફ્રી નં. 18002330131 અને જેએમસીની વેબ સાઇટ પર ઓનલાઇન ફરિયાદ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...