ફરજમાં રૂકાવટ:જેલમાં કેદીને બીજા યાર્ડમાં જતા રોકતા સિપાઈની ફરજમાં રૂકાવટ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરવાજો બંધ ન થાય માટે પ્રયાસ, ફરજ રૂકાવટની14 સામે રાવ

જામનગર જિલ્લા જેલમાં એક કેદીને બીજા યાર્ડમાં જતો જેલ સિપાઇએ રોકતા જ ઉશ્કેરાયેલા કેદીએ બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની તેમજ અન્ય 13 કેદીઓએ દરવાજો પકડી રાખી ફરજ રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાઇ છે.બનાવના પગલે જામનગર જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચાના એરણે ચડી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર જિલ્લા જેલમાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતા ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ગત તા.6ના સાંજે જેલમાં યાર્ડ નંબર પાંચ તથા છમાં પોતાની ફરજ પર હતા ત્યારે હનિફ રસુલભાઈ મકવાણા નામનો એક કેદી પોતાના 4 નંબરના યાર્ડમાંથી 6નંબરના યાર્ડમાં જતા જોવા મળ્યો હતો.

આથી આ કેદીને યાર્ડ નં.6માં જતા સિપાઇ ધર્મદિપસીંહે રોકતા જ હનિફ મકવાણાએ જો તમે મને યાર્ડ નં.6માં જતા રોકશો તોજયારે મને એક દિવસના પણ પેરોલ મળશે ત્યારે હુ તને જીવતો નહી મુકુ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાનો બનાવ બહાર આવ્યો છે.

જે બનાવ વેળાએ ત્યાં ધસી આવેલા કાદર ઉર્ફે ઓઢીયો જુમા જુણેજા, શબ્બીર ઉર્ફે માઇકલ ઉંમરભાઇ ખફી,સોહિલ મહમદભાઇ પારેખ, જાફર સિદ્દીકભાઇ જુણેજા, ઉબેદ અબ્દુલભાઇ કોરડીયા, જહાંગીર યુસુફભાઇ ખફી, અબાર ઉર્ફે કારીયો હુશેનભાઇ સફીયા,અસલમ હુસેનભાઇ સફીયા, મુસ્તાક હોથીભાઇ ખફી, એઝાઝ દાઉદભાઇ સફીયા,સાલેમામદ ઉર્ફે કચ્છી ઈશા દાઉદ છરેચા, એઝાઝ ઉર્ફે ચકલી કાદરભાઇ શેખ ઉપરાંત અશરફ ઈલ્યાસ સાઈચા નામના તેર શખ્સે પણ યાર્ડનો દરવાજો બંધ ન થાય તેમ પકડી રાખી જેલ સિપાઇની ફરજમાં રૂકાવટ કર્યાનુ જાહેર થયુ છે. આ બનાવની જેલ સિપાઇ ધર્મદિપસિંહ જાડેજાની ફરીયાદ પરથી સીટી એ પોલીસે તમામ 14 સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...