રાહત:ખંભાળિયા પાલિકાના બાકીદારોને વ્યાજ માફી

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી યોજના મુજબ અગાઉનો વેરો ચૂકતે કરનારાને લાભ મળશે, વ્યાજ પેનલ્ટી માફ થશે

ખંભાળીયા શહેરમાં નગરપાલિકાને ચૂકવવાના થતા હાઉસ ટેક્સ સહિત વિવિધ કરવેરાઓની તોતિંગ રકમ મોટી સંખ્યામાં આસામીઓ પાસેથી લહેણી નીકળે છે.જે વચ્ચે રાજ્ય સરકારની ચોક્કસ યોજના દ્વારા આગામી તા. 31 સુધીમાં અગાઉના તમામ બાકી કરવેરા ચૂકતે કરતા આસામીઓને વ્યાજ, પેનલ્ટીની માફી અંગેની યોજના અમલમાં મુકવામાં આવી છે.

ખંભાળીયા પાલિકા દ્વારા શહેરના મોટી સંખ્યામાં બાકીદારો પાસે વિવિધ પ્રકારના ટેક્સની કરોડો રૂપિયાની રકમ લહેણી નીકળે છે.શહેરના આવા આસામીપાલિકાને ચૂકવવાપાત્ર ટેક્સ ભરવામાં બેદરકાર અને નિષ્ફિકર બની રહ્યા છે. નગરપાલિકા દ્વારા અગાઉ વેરાની કડક વસુલાત કરવામાં આવી ન હોવાથી હાલ શહેરમાં વિવિધ પ્રકારના ટેક્સની કુલ બાકી રકમ વધીને 3.86 કરોડ સુધી પહોંચી ગઈ છે.

હાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા બાકીદારોને અલ્ટીમેટમ સાથેની નોટીસ ઉપરાંત મિલ્કત સિલ કરવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક પાલિકાઓમાં વેરાની તાકીદે વસુલાત થાય એને કરદાતાઓને થોડી રાહત મળી રહે તે હેતુથી ‘’ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના “ અમલમાં મુકવામાં આવી છે.

જે ખંભાળીયા પાલિકામાં પણ અમલી બની છે.આ અંગેનો ઠરાવ તાજેતરમાં પાલિકાની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરી, તે સંદર્ભેની દરખાસ્ત બાદ ખંભાળીયા પાલિકા વિસ્તારના કરદાતાઓ માટે આ યોજના અમલી બની છે. જેમાં ખંભાળીયા નગરપાલિકા વિસ્તારના કોઈ પણ આસામી તેમના અગાઉના બાકી કરવેરાની તા. 31મી માર્ચ 2022 સુધીમાં ચૂકતે ભરપાઈ કરશે. તો તેઓને આ અંગેની નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, કે વોરંટ ફી જેવી વધારાની દંડની રકમ ભરવાની રહેશે નહિ. તેઓએ અગાઉના લહેણાની માત્ર મુદ્દલ રકમ જ પાલિકાને ભરવાની રહેશે.

આમ પાલિકાના બાકીદારો તેઓના મિલકતવેરો, પાણીવેરો, સફાઈવેરો તથા દીવાબત્તીવેરો તા. 31 માર્ચ સુધીમાં ચુકતે કરી,આ યોજનાનો લાભ લ્યે તે માટેપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હિનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...