કાર્યવાહી:આઈસ્ક્રિમ પેક કરાવી પૈસા આપવાના બદલે રેંકડીધારક પર બે શખસોનો ઘાતક હુમલો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના મહાકાળી સર્કલ નજીક મધરાતે બઘટાડી, પૈસા માંગતા છરી-કડાથી હુમલો
  • ઈજાગ્રસ્ત રેંકડીધારકને હોસ્પીટલ ખસેડાયો,અજ્ઞાત સહિતના હુમલાખોર સામે ગુનો

જામનગરની ભાગોળે મહાકાળી સર્કલ પર મધરાતે આઇસ્ક્રિમ લેવા માટે આવેલા બે શખસોએ આઇસ્ક્રિમ પેક કરાવ્યા બાદ રેંકડીધારકે તેના પૈસા માંગતા ઉશ્કેરાઇ જઇ બે શખસે ગાળો ભાંડી છરી-કડા વડે હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે. આ બનાવમાં પોલીસે અજ્ઞાત સહિતના બંને સામે ગુનો નોંધ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં નુરી ચોકડી પાસે જગન્નાથ પાર્કમાં રહેતા અને મહાકાળી સર્કલ પાસે મહાવીર આઇસક્રિમ નામની રેંકી ધરાવતા બદ્રીચંદ મોહનભાઇ માલી નામના યુવાન પાસે ગત રવિવારે મધરાતના સુમારે શ્રીકાંત પરમાર અને એક અજાણ્યો શખસ આવ્યા હતા.જેઓએ આઇસક્રિમ પેક કરાવી હતી.

જે બાદ રેંકડીધારક બંદ્રીનાથએ આઇસક્રિમના પૈસા માંગતા બંને શખસોએ ગાળો ભાંડી હતી. આથી રેકડીધારક બંદ્રીનાથએ ગાળો દેવાની ના પાડતા જ ઉશ્કેરાઇ જઇ શ્રીકાંત પરમારે છરીના ઘા ઝીંકયા હતા.જયારે તેની સાથે રહેલા અજાણ્યા શખસે કડા વડે માથાના ભાગે ઇજા પહોચાડી હતી.

જે બનાવ બાદ બંને નાશી છુટયા હતા.જયારે ઇજાગ્રસ્ત રેંકડીધારકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. સમગ્ર બનાવની ઇજાગ્રસ્ત બંદ્રીનાથની ફરીયાદ પરથી સીટી સી પોલીસે શ્રીકાંત પરમાર અને અજ્ઞાત શખસ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...