તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે શિક્ષક દિવસ:છાત્રોને સરળતાથી સમજાવવા શિક્ષકોના અવનવા પ્રયોગો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંટાળાજનક વિષયોમાં રસ પડે તે માટે કાર્ટૂન કેરેક્ટર, મોટીવેશન અને રૂબરૂ મુલાકાતથી છાત્રોને અપાતું શિક્ષણ

દર વર્ષે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક સામાન્ય હોતો નથી. કારણ કે પ્રલય અને નિર્માણ તેની ગોદમાં હોય છે. ત્યારે જામનગર શહેર- જિલ્લામાં પણ એવા શિક્ષકો છે જેઓએ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સરળતાથી સમજાય તે માટે અવનવા પ્રયોગો અને નુસખાની સાથે સકારાત્મક વિચારો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.

આટલું જ નહીં વિદ્યાર્થીનો જે તે વિષય પ્રત્યેનો અણગમો દૂર કરવા પ્રેરણા આપી રહ્યા છે તો વિદ્યાર્થીઓને કંટાળાજનક લાગતા વિષયોમાં વધુ રસ પડે તે માટે મનોરંજન સાથે અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર દ્વારા સમજણ આપી રહ્યા છે. ઉપરાંત કંઈક અલગ કરવાની નેમ સાથે શિક્ષકો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જુદી જુદી સરકારી કચેરીમાં મુલાકાત માટે લઈ જઈને તેના કામથી અવગત કરાવી પ્રત્યક્ષ શિક્ષણ પણ આપી રહ્યા છે.

પ્રથમ લેક્ચર માતૃભાષામાં લેતો
વિદ્યાર્થીઓને પોતીકા પણું લાગે તે માટે હું પ્રથમ લેક્ચર હમેશા વિદ્યાર્થીઓની માતૃભાષામાં લેતો હતો. જો વિદ્યાર્થી કાઠીયાવાડી હોય તો કાઠીયાવાડીમાં જો કચ્છી હોય તો કચ્છી ભાષામાં લેતો હતો. કોઈપણ વિષય સરળ રીતે સમજાવવા હાવભાવ અને બોર્ડ વર્કનો ઉપયોગ કરતો હતો.- મહેશભાઈ ફોફરીયા, નિવૃત્ત શિક્ષક.

પ્રત્યક્ષ શિક્ષણ માટે મુલાકાતે લઇ જતાં
સરકારી સંસ્થાઓ જેવી કે પોસ્ટ ઓફિસ, આરોગ્ય ખાતુ જેવા સ્થળો પર લઈ જઇ તેના કામની માહિતી આપતા. છાત્રો સરકારી કચેરીની પ્રત્યક્ષ કામગીરી જુએ અને તેનું મહત્વ સમજે. વાસ્તવિક ઉદાહરણો સાથે પ્રોજેક્ટ આપતા જેથી છાત્રો રસપૂર્વક એ બાબતે શીખે છે.- મુક્તાબેન મહેતા, નિવૃત આચાર્યા.

વિદ્યાર્થીને આવડે જ છે તેવી પ્રેરણા
છાત્રોમાં પોઝીટીવ માનસિકતા સેટ કરવી કે તેને તમામ વિષય આવડે છે અને તે અભ્યાસ કરી શકશે. જેથી છાત્રોને રૂચિ વધે. અમુક વિષયોમાં ઉદાહરણો આપવા જેથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય. ક્લાસમાં વાતાવરણ હળવું રાખું જેથી વાત ખુલીને કરી શકે.-કિશોરભાઈ સરવૈયા, નિવૃત્ત શિક્ષક.

વધુ શીખવાડવાની બાંહેધરી આપતો
ગવર્મેન્ટના લર્નિંગ આઉટકમ કરતા પણ વધુ શીખવાડવાની હું છાત્રોને લેખિતમાં બાહેધરી આપતો. કાર્ટૂનના કેરેક્ટર દ્વારા જુદા-જુદા વિષયને અનુરૂપ પ્રયોગ કરી વિદ્યાર્થીઓને મનોરંજન સાથે વિષયવસ્તુમાં રસપૂર્વક અભ્યાસ ક્રમમાં સંકળાયેલા રહે તે રીતે ભણાવું છું. -જયેશભાઈ ખાટ, શિક્ષક.

ગણિતમાં પ્રેક્ટીકલ ઉદાહરણથી જ્ઞાન
વિદ્યાર્થીઓને મુખ્યત્વે ઉદાહરણ આપી સમજાવું છું. આથી યાદ રાખવામાં સરળતા રહે અને તે રસપૂર્વક જોડાયેલા રહે. ગણિતની પાયાની સમજ માપ પદ્ધતિ, વર્ગ અને વર્ગમૂળ જેવી મહત્વની બાબતો પણ પ્રેક્ટીકલ ઉદાહરણ દ્વારા જ સમજાવું છું.- ભગવાનજી કટેશીયા, પ્રાથમિક શિક્ષક.

એનીમેશન અને સ્લાઇડથી સમજણ
વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય તે માટે એનિમેશન દ્વારા ફોટો પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવીને સમજાવીએ છીએ. વાસ્તવિકતા સાથેના ઉદાહરણો આપી સમજાવું છું. માટે જે તે વિષય વસ્તુ સમજવામાં સરળતા રહે અને ઝડપથી આવડી પણ જાય છે.- કુલદિપસિંહ જાડેજા, શિક્ષક.

અન્ય સમાચારો પણ છે...