3 મહિના બાદ ન્યાય:દુષ્કર્મ કેસમાં જામનગર સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિત છ શખ્સો સામે કાર્યવાહી શરૂ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાનો પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે શોધખોળ શરુ કરી
  • 17 વર્ષીય સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી

જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ સહિત છ શખ્સો સામે પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. સિક્કાની અનુસુચિત પરિવારની સગીરા સાથે નગરપાલિકા પ્રમુખ સહિતના શખ્સોએ કરેલા દુર્વ્યવહાર અંગે રજૂઆત કરવામાં આવ્યા બાદ લાંબા સમયે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આરોપી પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે શોધખોળ શરુ કરી છે.

જામનગર જિલ્લાની સિક્કામાં રહેતા એક અનુસુચિત જાતિના પરિવારની 17 વર્ષીય પુત્રી સાથે 3 શખ્સોએ અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. જેને લઈને સિક્કા પોલીસે જે તે સમયે ત્રણ શખ્સો સામે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. જેને લઈને ગત જૂલાઈ માસના ગાળા દરમિયાન સ્થાનિક નગરપાલિકા પ્રમુખ જાકુબ બારોયા સહિતનાઓએ એસપીને રજૂઆત કરી હતી કે, નોંધાયેલી ફરિયાદ ખોટી છે અને આરોપીઓને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં ફરિયાદી પક્ષ સામે ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઈને જામનગર અનુસુચિત જાતી સમાજ અને ખેડા તેમજ સુરેન્દ્રનગરના સમાજના સંગઠનોએ ન્યાયની માંગણી કરી હતી. રજૂઆતમાં કરાયેલા આક્ષેપોને લઈને નગરપાલિકા પ્રમુખ સામે ફોજદારી નોંધવાની માંગણી કરવામાં આવી હતી.

3 મહિના બાદ ગઈકાલે પ્રમુખ બારોયા તેમજ અન્ય 5 સહીત 6 શખ્સો સામે આઈપીસી કલમ પોક્સો કલમ 23, આઈપીસી કલમ 288 એ મુજબ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમ સિક્કા પીએસઆઈ જે.ડી.પરમારે જણાવ્યું છે. બે દિવસ પૂર્વે થયેલી ફરિયાદ બાદ આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...