જામનગર શહેર સહિત હાલારમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના શાંત પડયો હતો અને લાંબા સમયથી કોઇ કેસ ન નોંધાયો ન હતો જે દરમિયાન ગુરૂવારે શહેરમાં ફરી એકસાથે બે કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતી એક મહિલા અને એક પુરૂષ સંક્રમિત જાહેર થયા હતા.જયારે દેવભૂમિ જિલ્લાના દ્વારકા પંથકમાં એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજયના અમુક ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસો સામે આવી રહયા છે.
ત્યારે જામનગર સહિત હાલારના મોટાભાગના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ગુરૂવારે ફરી કોરોનાએ દેખા દિધી હતી.શહેરના ગાંધીનગર-બેડી રોડ પર એક 43 વર્ષીય મહિલા અને પવનચકકી વિસ્તારમાં એક 42 વર્ષીય પુરૂષના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે. જેના પગલે બંનેને હોમ આઇશોલેટ કરી દેવામાં આવ્યા છે જયારે સંબંધિત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી પણ પુરજોશમાં શરૂ કરી દેવાઇ છે.
બીજી બાજુ દેવભૂમિ જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ ફરી કોરોના કેસ સામે આવ્યો છે જેમાં દ્વારકા તાલુકામાં પણ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. લાંબા સમય પછી પુન: મહામારીએ દેખા દેતા શહેરમાં ફફડાટ વ્યાપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.