જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગઇકાલે રવિવારે રાતે લોકડાયરાના કાર્યક્રમમાં જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુ પણ વિશેષ હાજર રહ્યા હતા. કથા દરમિયાન ઇન્દ્રભારતી બાપુ, કથાકાર રમેશભાઈ ઓઝા અને કથાના યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇન્દ્રભારતી બાપુએ લોકકલાકાર દેવાયત ખવડ ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો, એમાં તેમની સાથે રમેશભાઈ ઓઝા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા.
રમેશભાઈ ઓઝા મોડે સુધી કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા
મુખ્ય કથાકાર રમેશભાઈ ઓઝા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં લોકગીતો તેમજ લોકસાહિત્યની વાતો સાંભળવા માટે રાત્રિના 12 વાગ્યા સુધી કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા, એમાં તેમણે દેવાયત ખવડની લોકસાહિત્યને લગતી વાતો અને દેશભક્તિ સહિતનાં ગીતો સાંભળ્યાં હતાં. ઉપરાંત દેવાયત ખવડ પણ ભાઇજીની હાજરીને લઈને ખૂબ જ ખીલ્યા હતા અને મંચ પરથી સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના ઇતિહાસને યાદ કરાવી સહુ શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.
ઇન્દ્રભારતી બાપુએ વિશેષ હાજરી આપી
જૂનાગઢના સુપ્રસિદ્ધ ઇન્દ્રભારતી બાપુએ પણ રાત્રિ કાર્યક્રમ દરમિયાન વિશેષ હાજરી આપી હતી. તેમનું યજમાન પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સુરતના બટુકભાઈ ડોબરિયા, કેશોદના હરદેવસિંહજી રાયજાદા તેમજ ભાવનગરના ચતુરસિંહજી ગોહિલ અને અરૂણસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હોવાથી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં નોટોનો વરસાદ જોવા મળ્યો
ઇન્દ્રભારતી બાપુ લોકડાયરાના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા અને કલાકારોનો ઉત્સાહ વધારવા માટે તેમણે જાતે જ રમેશભાઇ ઓઝાને સાથે રાખીને નોટોનો વરસાદ કર્યો હતો. એને નિહાળ્યા પછી કથા મંડપમાં ઉપસ્થિત રહેલા યજમાન પરિવાર અને તેમનાં સગાંસંબંધીઓ ઉપરાંત અન્ય શ્રોતાગણો પણ રીઝ્યા હતા અને મોટી સંખ્યામાં નોટોનો વરસાદ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.