જામનગર શહેરના ભાગોળે આવેલા રમણીય રણજીતસાગર ડેમ પર સુંદર મજાના બગીચા બનાવવામાં આવ્યા છે, અહીં પાર્ટી પ્લોટ પણ મોજુદ છે, દરમિયાન અહીની સુંદરતા કોઇને નડતી હોય તેમ ઘનઘોર અને ઘટાદાર વૃક્ષોના ટ્રીમીંગના નામે છેદન કરી નખાતા પર્યાવરણ પ્રેમીઓમાં દેકારો બોલી ગયો છે. નવાઇની વાત એ છેકે, હજુ સુધી તંત્રને આ બાબતની કોઇ જાણ જ નથી અને હવે પગલા ભરવાની વાતો થઇ રહી છે.
ઘટાદાર વૃક્ષોના ટ્રીમીંગના નામે છેદન
જામનગર શહેરના ભાગોળે આવેલા રણજીતસાગર ડેમના હેઠવાસમાં સુંદર મજાનું પાર્ક બનાવવામાં આવ્યું છે, પ્રથમથી જ અહી ઘનઘોર અને ઘટાદાર વૃક્ષો હતાં જે અહીનું વાતાવરણ પુલકીત કરે છે, થોડા દિવસ પહેલા અહી આવેલા પાર્ટી પ્લોટમાં અમુક ઝાડ નડતા હોય તેમ કોન્ટ્રાકટર તેમજ અન્ય માણસો દ્વારા ટ્રીમીગના નામે ઝાડનું છેદન કરી નાખ્યું છે, જેમાં એક નહી અનેક ઝાડ આનો ભોગ બન્યા છે. બધા જાણે છેકે, ઝાડ ઉગાડવામાં કેટલી મહેનત પડે છે અને સમય લાગે છે, જ્યારે અહી એક ઝાટકે ઝાડને ઓછા કરી નાખવામાં આવ્યા, નવાઇની વાત એ છે કે, આ બાબતની જાણ તંત્રને પણ થઇ નથી અને હવે તપાસની વાતો થઇ રહી છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
કોઇ જાણ નથી, તપાસ કરીને કડક પગલા ભરવામાં આવશે : ડીએમસી
રણજીતસાગર પાર્ક અને પાર્ટી પ્લોટ ખાતે વૃક્ષોનું છેદન થયા બાબતની કોઇ જાણ કે ફરિયાદ અમને મળી નથી, પરંતુ આવું હશે તો ચોકકસ પણે આ બાબતે તપાસ કરી પગલા ભરવામાં આવશે.> ભાવેશ જાની, ડીઅેમસી, જામ્યુકો.
એસિડ નાખી ઝાડનો નિકાલ કરવાની કોશિષ સામે પણ કોઇ પગલા નહીં
જામનગર શહેરના જયંતિ સોસાયટી વિસ્તારમાં થોડાસમય પહેલા એક ઝાડને મુળમાંથી થોડુ કાપી ત્યાર બાદ તેમાં એસિડ નાખવામાં આવતું હતું, અાવી રીતે ઝાડને કાપવુ ન પડે અને તેની રીતે ઝાડ સુકાઇને પડી જાય. આ ગંભીર બાબત છે, પરંતુ તંત્રએ આની પણ નોંધ લીધી ન હતી અને આ કૃત્ય આચરનાર સામે કોઇ પગલા ભરવામાં આવ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.