ઈન્ડિયન કોસ્ટગાર્ડે ગતરાત્રિએ ઓખાના દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી માછીમારી બોટમાં ફસાયેલા પાંચ માછીમારોને ઉગારી લીધા હતા. કોસ્ટગાર્ડ તમામ પ્રવાસીઓ અને તેમની બોટને ઓખા બંદર પર લાવી હતી.
કોસ્ટગાર્ડના મ-413 જહાજ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરાયું
03 ઑગસ્ટ 2022ના લગભગ 00.45 AM વાગ્યે ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટર્સને ‘રાજ આયુષી’ નામની ભારતીય માછીમારી બોટ (IFB) દરિયામાં અનિયંત્રિત થઇ ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. હોડીના ચોક્કસ સ્થાનની ખાતરી કરવામાં આવી હતી અને તે ઓખાના દરિયામાં 10 નોટિકલ માઇલ દૂર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઈન્ડિયન કોસ્ટગાર્ડે તાત્કાલિક આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને ઝડપી ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજ C-413ને સહાય માટે મોકલવામાં આવ્યું હતું. આસપાસમાં રહેલા જહાજોને પણ ચાંપતી નજર રાખવા માટે અને તેને જોવામાં મદદ કરવા માટે સતર્ક કરી દેવામાં આવ્યા હતા. ICGનું જહાજ અત્યંત તોફાની દરિયામાં અને મહત્તમ ઝડપ સાથે લગભગ રાત્રિના બે વાગ્યે આ વિસ્તારમાં પહોંચ્યું હતું.
ભારે પવનના કારણે માછીમારોની હોડીમાં પાણી ભરાવા લાગ્યું હતું
હોડી ભારે પવનના કારણે આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલી હતી અને એક બાજુ નમી ગઇ હોવાનું જણાયું હતું. માછીમારોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં, તમામ ક્રૂને ICGના જહાજ પર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ICGના કર્મચારીઓએ સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને હોડીમાં ધસી આવતા પાણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે તેના પર નિયંત્રણ મેળવી શકાયું હતું. ICGનું જહાજ સવારના 04:00 વાગ્યે બચાવી લેવામાં આવેલા તમામ ક્રૂને લઇને ઓખા આવ્યું હતું. પૂરમાં ફસાયેલી બોટને પણ અલગથી ઓખા લાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.