તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વચેટિયાઓની બોલબાલા:આવકના દાખલાના ફોર્મનું રૂા. 20માં વેચાણ, ભરવાના રૂા.50!

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
લેભાગુ તત્વોને આ લાઇનમાં ‘ખણખણીયા’ દેખાય છે - Divya Bhaskar
લેભાગુ તત્વોને આ લાઇનમાં ‘ખણખણીયા’ દેખાય છે
  • RTEની પ્રવેશ પ્રક્રિયાથી આવકના દાખલા માટે વહેલી સવારથી ધામા નખાતા લાંબી કતારો
  • મહેસૂલ સેવા સદનમાં મફત મળતા ફોર્મની સદનની બહાર ‘રોકડી’ થઇ રહી છે : અશિક્ષિત અરજદારોને ખંખેરવાનો નવો ‘ધંધો’ મંડાયો

જામનગરમાં આરટીઇ હેઠળ ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેમાં આવકનો દાખલો ફરજીયાત હોવાથી શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં દાખલા કઢાવવા માટે વહેલી સવારથી ધામા નાખતા લાંબી કતારો જોવા મળી રહી છે. આટલું જ નહીં આ તકનો લાભ લઇ વચેટિયાઓ ખૂબજ સક્રિય થયા છે.

જેના કારણે, જામનગર મહેસૂલ સેવા સદનમાં મફત મળતા આવકના દાખલાના ફોર્મનું બહાર રૂ.20 માં વેંચાણ કરી ફોર્મ ભરવાના રૂ.50 વસૂલી રહ્યા છે. જાગૃતિના અભાવ અને શિક્ષિત ન હોવાના કારણે લોકો લૂંટાઇ રહ્યા છે. બીજી બાજુ અણઘડ વ્યવસ્થા અને તડકાના કારણે દાખલા કઢાવવામાં લોકોને પગે પાણી ઉતરી રહ્યા છે. મહેસૂલ સેવા સદનમાં છાશવારે આ સમસ્યા થઇ રહી છે, છતાં તંત્ર દ્વારા નકકર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અણઘડ વ્યવસ્થાથી લોકોને પગે પાણી ઉતર્યા, સદનની બહાર ફાેર્મ ભરવાના રૂપિયા ઉઘરાવાઇ રહ્યા છે.
અણઘડ વ્યવસ્થાથી લોકોને પગે પાણી ઉતર્યા, સદનની બહાર ફાેર્મ ભરવાના રૂપિયા ઉઘરાવાઇ રહ્યા છે.

કાઉન્ટર વધારાયા છે, રવિવારે પણ દાખલા નીકળશે
આરટીઇ હેઠળ ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય આવકના દાખલા માટે ભીડ જોવા મળી રહી અને રોજના 300 દાખલા નીકળે છે. આથી એક કાઉન્ટર વધારી બે કરાયા છે. ઉપરાંત વધારાના બે ઓપરેટર પણ મૂકાયા છે. રવિવારે પણ દાખલા કઢાવાની કામગીરી ચાલુ રહેશે. આવકના દાખલાના ફોર્મ વિનામૂલ્યે મળતા હોય વચેટિયાઓથી સાવધાન રહેવા લોકોને અનુરોધ કર્યો છે.> એ.પી.વ્યાસ, મામલતદાર, જામનગર શહેર

આરટીઇમાં 509 ખાનગી શાળામાં 2308 વિધાર્થીને પ્રવેશ અપાશે
રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશની પ્રક્રિયા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જામનગર શહેર-જિલ્લાની 341 ખાનગી પ્રાથમિક શાળામાં 1657 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 168 ખાનગી પ્રાથમિક શાળામાં 651 બેઠક પર વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

અધિકારીઓની ગેરહાજરી, મનસ્વી વર્તનની લોક ફરિયાદો
મહેસૂલ સેવા સદનમાં જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા માટે મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. આમ છતાં કેન્દ્રમાં ફરજ બજાવતાં અધિકારીઓ સમયસર ન આવતા હોય લોકોને દાખલા માટે કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે તો અધિકારીઓ મનસ્વી અને તોછડું વર્તન કરતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાની ફરિયાદ લોકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...