જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભા 2022ની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અલિયાબાડાના એક શખ્સ વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર કરાતા એલસીબીએ શખ્સની ધરપકડ કરી સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દીધો હતો.
પાસાની દરખાસ્ત કલેક્ટરે મંજૂર કરતા કાર્યવાહી
વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકો ઉપરની ચૂંટણી 1 લી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં જામનગરની પાંચ બેઠક માટે કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા મતદાન શાંતિપૂર્ણ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં થાય તે માટેના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસવડા દ્વારા માથાભારે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા શખ્સો વિરૂધ્ધ પાસાની દરખાસ્ત હેઠળ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જામનગર તાલુકાના અલિયાબાડાના અસલમ અમીન ડોસાણી નામના શખ્સ વિરૂધ્ધ મારામારીના બે કેસ અંતર્ગત પાસાની દરખાસ્ત કલેકટર સમક્ષ મૂકવામાં આવી હતી. જે દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા અસલમની ધરપકડ કરી સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
આજ દિવસ સુધીમાં 10 શખ્સોની પાસા હેઠળ ધરપકડ
જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પોલીસ અધિક્ષક દ્વારા બુટલેગર તથા અસામાજિક પ્રવૃત્તિ આચરનાર શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં પોલીસ દ્વારા આજ દિવસ સુધીમાં 10 શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.