જામનગર રાજય વેરા વર્તુળ કચેરીને વર્ષ 2021-22 માં લક્ષ્યાંક વગર જીએસટીની રૂ.3068.45 કરોડની આવક થઇ છે. વડી કચેરી દ્બારા આ કચેરીને ચાલુ વર્ષ એટલે કે 2022-23 નો વાર્ષિક રૂ.4210 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પરંતુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહાકાય કંપનીઓને બાદ કરતા નોંધાયેલા વેપારીઓની જીએસટીની આવકની ટકાવારી ખૂબજ ઓછી છે. આથી કચેરીની તપાસ કામગીરી સામે સવાલ ઉઠયા છે.
નાયબ રાજયવેરા કમિશનર વર્તુળ-24 જામનગરની હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. દર વર્ષે વડી કચેરી દ્રારા આ કચેરીને વાર્ષિક આવકનો લક્ષ્યાંક આપવામાં આવે છે. વર્ષ 2021-22 માં કોરોનાના કહેરના કારણે આ કચેરીને આવકનો લક્ષ્યાંક આપવામાં આવ્યો ન હતો. આમ છતાં ગત વર્ષે લક્ષ્યાંક વગર જામનગરની કચેરીને રૂ.3068.45 કરોડની જીએસટીની આવક થઇ છે. વર્ષ 2020-21માં કચેરીને કુલ રૂ.1793.15 કરોડની વાર્ષિક આવક થઇ હતી. આથી કચેરીની એક વર્ષમાં જીએસટીની આવકમાં રૂ.1275.30 કરોડનો વધારો થયો છે.
જો કે, જીએસટીની વાર્ષિક આવકમાં બંને જિલ્લામાં કાર્યરત મહકાય કંપનીનો ખૂબજ મોટો હિસ્સો છે. જયારે બંને જિલ્લામાં જીએસટી અંતર્ગત નોંધાયેલા 13101 વેપારીની આવકમાં ટકાવારી ખૂબજ ઓછી છે. જેના કારણે સ્થાનિક તેમજ વડી કચેરીની તપાસ અને દરોડાની કામગીરી સામે સવાલ ઉઠયા છે. તો આ બાબત તપાસનો વિષય બન્યાે છે.
ફેકટફાઇલ|જામનગર-દ્વારકા જિલ્લાની જીએસટીની આવક (કરોડમાં) | |||
મહિનો | 2019-20 | 2020-21 | 2021-22 |
એપ્રિલ | 172.06 | 10.12 | 236.87 |
મે | 179.64 | 37.84 | 211.51 |
જૂન | 182.45 | 112.03 | 190.71 |
જુલાઇ | 182.38 | 72.16 | 273.64 |
ઓગષ્ટ | 173.41 | 79.27 | 252.11 |
સપ્ટેમ્બર | 148.23 | 152.71 | 239.56 |
ઓકટોબર | 150.14 | 264.01 | 263.42 |
નવેમ્બર | 146.79 | 175.58 | 304.51 |
ડીસેમ્બર | 152.48 | 246.65 | 248.01 |
જાન્યુઆરી | 179.11 | 198.87 | 258.4 |
ફેબ્રુઆરી | 174.67 | 207.12 | 300.41 |
માર્ચ | 174.1 | 36.79 | 289.3 |
બે વર્ષ બાદ 499.76 કરોડ વધુ આવકનો લક્ષ્યાંક અપાયો
રાજયવેરા કમિશ્નર વર્તુળ કચેરી-24 જામનગરને વડી કચેરી દ્રારા વર્ષ 2019-20 માં રૂ.3710.24 વાર્ષિક આવકના લક્ષ્યાંક સામે 2015.46 કરોડની આવક, વર્ષ 2020-21 માં 1490.09 કરોડના લક્ષ્યાંક સામે 1793.15 કરોડની આવક થઇ હતી. જયારે વર્ષ 2021-22 માં કરોનાના કારણે આવકનો કોઇ લક્ષ્યાંક અપાયો ન હતો. જયારે બે વર્ષ બાદ ચાલુ વર્ષે આવકના લક્ષ્યાંકમાં રૂ.499.76 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલીયમ પેદાશ સહિતની નિકાસ વધતા જીએસટીની આવક વધી
રાજયવેરા કમિશ્નર વર્તુળ કચેરી-24 જામનગરને વર્ષ 2021-22 માં લક્ષ્યાંક વગર જીએસટીની રૂ.3068.45 કરોડની આવક થઇ છે. જે વર્ષ 2020-21 કરતા રૂ.1275.30 કરોડ વધુ છે. બંને જિલ્લામાં કાર્યરત મહકાય કંપનીની પેટ્રોલીયમ પેદાશ, બ્રાસપાર્ટ સહિતની ચીજવસ્તુઓની નિકાસ વધતા આવકમાં વધારો થયાનું જીએસટી કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.