જામનગરની સિટી સર્વે કચેરીના મેઈન્ટેનન્સ સર્વેયરો સ્વામીત્વ પ્રોજેકટમાં જોતરાતા કચેરીમાં કામકાજ સાવ ઠપ્પ થઈ ગયું છે. જામનગર રેવન્યુ પ્રેક્ટીશનર એડવોકેટ્સ એસો.એ લેન્ડ રેકર્ડસ વિભાગના સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી છે.
આવેદનમાં જણાવ્યાનુસાર તાજેતરમાં સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સ્વામીત્વ પ્રોગ્રામ અંતર્ગત કામગીરી હાથ ધરી છે. જેમાં સ્ટાફ જામનગર સિટી સર્વે 1 અને 2 માંથી નિયુક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી સિટી સરવે કચેરીઓ સંપૂર્ણ બંધ હાલતમાં છે. કચેરીમાં બેસતા ઓપરેટરો તથા પટાવાળાને તેમજ સંબંધીત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ સ્વામીત્વની કામગીરીમાં સર્વેયરો રોકાયેલા હોય આગામી 3 થી 6 મહિના સુધી કચેરીના કોઈ કાર્યો નિયમીત રીતે થશે નહીં.
આ રીતે એક કચેરીને અથવા તો એક કામને તાળું મારીને બીજું કામ કરવાની જે નીતિ અમલમાં છે, તે સિટી સરવે કચેરીની રોજીંદી કામગીરીને અવરોધરૂપ હોય અને એકસાથે કામનો ભરાવો થયા પછી કામ હાથ ધરવામાં આવે ત્યારે કામની ચોક્સાઈ અને નિયમિતતા પર પ્રશ્નો થશે.
સરકાર દ્વારા આગામી તા.15-4-2023 થી જંત્રી વધારવા સંબંધે નિર્ણય કરાયો છે. આથી છેલ્લા દોઢ મહિનાના ગાળામાં વધુ પ્રમાણમાં વેંચાણ દસ્તાવેજોની સંભાવના છે. સિટી સરવે કચેરીમાંથી દરેક મિલકતધારકને વેંચાણ આપનારના નામ જોગનું અને ખરીદ દસ્તાવેજ પછી પોતાના નામ જોગના પ્રોપર્ટી કાર્ડની આવશ્યક્તા રહેતી હોય તેમજ બેંકોને પણ બોજા નોંધ કરાવવાની રહેતી હોય અને વારસાઈ નોંધી કરાવી રીલીઝ ડીડના દસ્તાવેજો પણ કૌટુંબિક મિલકતોમાં કરવાના થતા હોય જેથી થયેલ વ્યવહારોની નિયમિત રીતે સિટી સરવે દફ્તરે નોંધ ત્યારે પડે જો કચેરી નિયત સમય દરમિયાન ચાલુ રહેતી હોય. પરંતુ હાલ કચેરી બંધ હાલતમાં હોય, જેથી અરજીઓનો ભરાવો થાય તેમ છે.
આથી સ્વામીત્વ પ્રોજેક્ટની સાથે સાથે સિટી સરવે કચેરી પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે અને અઠવાડિયાના ચોક્કસ ત્રણ દિવસ સ્વામીત્વના પ્રોજેક્ટ માટે અને બીજા ચોક્કસ ત્રણ દિવસ સિટી સરવેની રૂટીન કામગીરીની માંગણી કરીછે. સાથે સાથે સીટી સર્વે કચેરીમાં કામગીરી ઠપ્પ થતાં અરજદારોને ભારે હાલાકી પડી રહી હોય તાકીદે આ બાબતે યોગ્ય કરવા પણ માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.