જામનગરમાં છેલ્લાં થોડા દિવસથી મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેની માઠી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. શહેરમાં શરદી, ઉધરસ, તાવના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેમાં સૌથી વધુ બાળકો તેનો ભોગ બની રહ્યા છે. આયુર્વેદમાં છ ઋતુ વર્ણવવામાં આવી છે. શિયાળાની ઠંડક પછી ઉનાળાની શરૂઆત એટલે કે વસંત ઋતુમાં(ફેબ્રુઆરીથી માર્ચ ) સામાન્ય રીતે શરીરમાં કફ દોષ વધુ હોય છે. ચરક સંહિતા અનુસાર સૂર્યની ગરમીથી હિમાલયમાં બરફ પીગળે છે તે જ રીતે શિયાળા દરમિયાન શરીરમાં જમા થયેલો કફ વસંતઋતુમાં પીગળે છે.
તેથી આ ઋતુમાં બાળકોને શરદી, ઉધરસ, તાવ, ભરાણી, શ્વાસ, અસ્થમા જેવા રોગ થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત આ બધી સમસ્યા મિશ્ર ઋતુમાં પણ થતી હોય છે. ત્યારે તેનાથી બચવા માટે આગામી ઋતુમાં આહાર, વ્યવહાર પર ધ્યાન દેવું ખૂબ જ આવશ્યક છે જેમ કે શિયાળામાં ગરમ પાણી, રાબ, સૂંઠ, બાફેલા મગ, સુખડી વગેરે લેવી જોઇએ. સાથે ગરમ કપડા પર પહેરવા જોઈએ. શિયાળામાં યોગ્ય માવજત રાખવામાં આવે તો શરીરમાં કફનો ભરાવો વધુ પ્રમાણમાં થતો નથી. જેથી મિશ્ર ઋતુ કે વસંત ઋતુમાં કફ પીગળતો નથી તેમ આયુર્વેદ યુનિવર્સિટીના ડો. સાગર ભીંડે જણાવ્યું હતું.
કંઇ ઋતુમાં કંઇ ઉંમરના લોકોમાં કયા કારણોથી શરદીનું પ્રમાણ વધે છે
વસંત ઋતુ : વસંત ઋતુએ કફનો પ્રકોપ કાળ છે. શરીરમાં 0 થી 16 વર્ષની વયમાં સામાન્ય રીતે શરીરમાં કફનું પ્રમાણ વધારે હોવાથી આ ઋતુમાં બાળકોને શરદી, ઉધરસ, અસ્થમા, ન્યુમોનીયાની શક્યતા વધારે રહે છે.
શરદ ઋતુ : ચોમાસા પછીની ઋતુમાં પિત્ત પ્રકોપ થતો હોય છે. એટલે ચોમાસા પછીના દિવસોમાં યુવાનો એટલે કે 16 થી 60 વર્ષ સુધીના લોકોમાં પિતને લગતા રોગો જેવા કે ખીલ,ચામડીની સમસ્યા, એસીડીટી, માથાનો દુ:ખાવો, મોઢામાં ચાંદા, હરસ મસામાંથી લોહી વધુ પડવું વગેરે થવાની શક્યતા રહે છે.
વર્ષા ઋતુ : વાયુનો પ્રકોપ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. ઉનાળા પછીના દિવસોમાં સાંધામાં દુખાવો, ગઠિયો વા,પેરાલીસીસ, સાઈટીકા જેવા રોગો 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં વધુ જોવા મળતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.