આરાધના:જામનગરના શિવાલયોમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દેવાધિદેવને રિઝવવા ભાવિકોના ઘોડાપૂર

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો, શિવભક્તોએ રૂદ્રાભિષેક, જલાભિષેક કર્યા

શિવાલયોના કારણે છોટીકાશીના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથને રિઝવવા માટે શહેરના શિવાલયોમાં ભાવિકોના ઘોડાપૂર જોવા મળ્યા હતાં. ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠયા હતાં. શિવભક્તોએ રૂદ્રાભિષેક અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શિવાલયોમાં શિવભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી રૂદ્રાભિષેક-જલાભિષેક સહિત પૂજા-અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના અનેક શિવાલયોમાં મહાઆરતી કરવામાં આવી હતી. શહેરના પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં શિવભક્તો ફૂલ, બિલ્વપત્ર, દૂધ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથની પૂજા કરવા ઉમટયા હતાં. બે વર્ષના કોરોના કાળ પછી મુક્તિ મળતા શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...