જામનગર જિલ્લામાં ગાય વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે. જેને અટકાવવા સ્થાનિક વહીવટી તંત્ર તથા પશુપાલન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશના ભાગ રૂપે પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતા પશુપાલકો પારંપારિક પદ્વતિ દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનો ઉપચાર ઘરે બેઠા જ કરી શકે તે માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા મહત્વના ઘરેલુ ઉપચાર અને સારવાર પદ્ધતિઓ સૂચવાઇ છે.જેમાં નીચે મુજબની પદ્ધતિથી ઉપચારના ડોઝ બનાવી લમ્પીગ્રસ્ત પશુઓને આપી શકાય છે.
ડોઝ બનાવવાની પ્રથમ રીત
પ્રથમ ઉપચારમાં 10 નંગ નાગરવેલનાં પાન, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ મીઠું તથા જરૂરિયાત મુજબ ગોળ ઉમેરી સારવારનો એક ડોઝ તૈયાર કરી શકાય છે. આ તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવી લો અને એમાં ગોળ મિક્સ કરો, તૈયાર થયેલ ડોઝ નાની નાની માત્રામાં પશુને ખવડાવો, પહેલા દિવસે દર એ કલાકે એક એક ડોઝ ખવડાવો, બીજા દિવસથી લઇને 2 અઠવાડિયા સુધી સવાર, બપોર અને સાંજે એમ રોજના ત્રણ ડોઝ ખવડાવો, દરરોજ ડોઝ તાજા બનાવવા.
ડોઝ બનાવવાની બીજી રીત
બે કળી લસણ, 10 ગ્રામ ધાણા, 10 ગ્રામ જીરૂ, એક મુઠી તુલસી, 10 ગ્રામ તેજ પતા, 10 ગ્રામ કાળા મરી, પાંચ નંગ નાગરવેલનાં પાન, બે નંગ નાની ડુંગળી, 10 ગ્રામ હળદર પાવડર, 30 ગ્રામ ચીરાતાનાં ( કળિયાતું) પાનનો પાવડર, એક મુઠી ડમરાના પાન, એક મુઠી લીમડાના પાન, એક મુઠી બીલીનાં પાન, 100 ગ્રામ ગોળ ઉમેરી સારવારનો એક ડોઝ તૈયાર કરી શકાય છે. આ તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવી લો અને એમાં ગોળ મિક્સ કરો, તૈયાર થયેલ ડોઝ નાની નાની માત્રામાં પશુને ખવડાવો, પહેલા દિવસે દર 3 કલાકે એક એક ડોઝ ખવડાવો, બીજા દિવસથી રોજ સવાર સાંજ 2 ડોઝ જયાં સુધી સ્થિતિ સુધારે નહી ત્યાં સુધી ખવડાવો, દરરોજ ડોઝ તાજા બનાવવા.
ઘા અથવા જખમ પર લગાવવા માટેનું મિશ્રણ બનાવવાની રીત
1 મુઠી વાંછીકાંટો,દદણોનાં પાન, 10 કળી લસણ, 1 મુઠી લિમડાના પાન, 500 મિ.લી. નારીયેળ અથવા તલનું તેલ, ૨૦ ગ્રામ હળદર પાવડર, 1 મુઠી મહેંદીનાં પાન, 1 મુઠી તુલસીનાં પાન,ઉપર બતાવેલી બધી સામગ્રીને બરાબર દળીને 500મિ.લિ. નારિયેળ કે તલનાં તેલ સાથે મિક્ષ કરી ઉકાળો અને ઠંડુ કરી ઘા,જખમને સાફ કરી સીધું લગાવી દો, જો ઘા,જખમમાં કીડા દેખાય તો ફક્ત પહેલા દિવસે સીતાફળનાં પત્તાની પેસ્ટ અથવા કપુરયુક્ત નારિયેળ તેલ લગાવવા સુચન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.