તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી:જામનગરમાં છેલ્લા 4 દિવસમાં 1543 ગૌ-વંશનું લમ્પી વિરોધી રસીકરણ, તંદુસ્ત પશુઓમાં પણ વેક્સિનેશન કરાવવું જરૂરી

જામનગરએક મહિનો પહેલા

જામનગરમાં રખડતા રઝળતી ગાયોને લમ્પી વાયરસથી બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા 4 દિવસમાં 1543 પશુઓને લમ્પી વિરોધી રસી આપવામાં આવી છે. તંત્રની ટીમોએ રસી મેળવેલા પશુઓનું એક શીંગડુ લાલ રંગના કલરથી રંગવાની નિશાની અપાઈ રહી છે. જેથી કોઈ પશુને બે વખત રસી ન અપાય જાય અને ગણતરી રહે.

જામનગર શહેરના બેડેશ્વર, ગાંધીનગર, મચ્છરનગર, પુનિતનગરથી રામેશ્વરનગરથી નવાગામ ઘેડના ખંડનગર સહિતના વિસ્તારોમાં ગાયોને તાવ સાથે ચામડીની સપાટી હેઠળ ગઠ્ઠા-ગઠ્ઠા થયેલા જોવા મળતા હોવાની અને ગાય ખાતી ન હોવાની ફરિયાદો મળતાં પશુપાલન વિભાગે બ્લડ સેમ્પલીંગની કામગીરી કરીને ગાયોમાં લમ્પી વાયરસ ફેલાયો હોવાનો રીપોર્ટ કર્યા બાદ શહેરમાં પાલતુ એવી 600 પાંજરાપોળની અને અન્ય 800 ગાયોને તુરંત રસી આપી દેવામાં આવી હતી. બાદમાં નધણીયાતી એવી સંખ્યાબંધ ગાયોના શંકાસ્પદ મોતના કિસ્સો સામે આવ્યા બાદ ગાયોને પણ સારવાર અને રસીની માંગ સાથે સતત ત્રણ દિવસ ધરણા યોજાયા હતા.

બાદમાં પંચાયતના પશુપાલન વિભાગના ડો. એ.સી વિરાણીની ટીમ અને કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગના જાડેજા અને સ્ટાફ દ્વારા રણજીતસાગર ખાતેના પશુના ડબ્બા ખાતે આખલાઓને, નવાગામ ઘેડમાં ગાયોને, પંચેશ્વર ટાવર રોડ, સમેશ્વરનગરમાં, જાહેર માર્ગો પર, કાલવડના નાકા બહાર તેમજ ગાયોને રસી અપાઈ હતી. ગત રવિવારે પણ આ કામગીરી ચાલુ હતી. ગુલાબનગર, હરિયા કોલેજ રોડ, ગુરુદ્વારા પાછળ જલારામનગરમાં, રણજીતસાગર રોડ પરની સોસાયટીઓમાં ગાયોને રસી મુકવામાં આવી હતી. તેમજ ખેતીવાડી, કોમલ નગર, યાદવ નગર, મયુર નગર, પ્રજાપતિ વાડી વિસ્તાર, પવન ચક્કી, ગોવાની મસ્જિદ, દરબાર ગઢ, તાર મામદ સોસાયટી, એસ.ટી ડિવિઝન, વુલન મીલ, મહાકાલી સર્કલ, તિરૂપતિ સોસાયટી, દ્વારકેશ, નંદ નિકેતન સ્કૂલ સુધી તંત્રએ 4 દિવસમાં 1543થી વધુ ગૌ-વંશનું લમ્પી વિરોધી રસીકરણ કર્યું હતું.

આ અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે શહેરમાં લમ્પી વાયરસ પશુઓમાં ઝડપથી વધી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે છેલ્લા બે દિવસમાં 800થી વધુ પશુઓને લમ્પી વાઇરસની રસી મૂકવામાં આવી છે. હાલ શહેરમાં યુદ્ધના ધોરણે પશુઓને લમ્પી વાયરસની રસી મુકવાની કામગીરી ચાલુ છે. ત્યારે ચાર દિવસમાં 1,543થી વધુ પશુઓને લમ્પી વાઇરસની રસી મૂકવામાં આવી છે અને દરરોજ ત્રણ અલગ અલગ ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.

આ વાઈરસ ચેપી અને જીવલેણ પકારનો હોવાતી સાવચેતીના ભાગરૂપે તંદુસ્ત પશુઓમાં પણ વેક્સિનેશન કરાવવું જરૂરી છે. આ વેક્સિનેશન ઝુંબેશ આગામી સમયમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવવાની હોવાથી ઢોર માલિકોને જામનગર મહાનગરપાલિકાની ટીમો જ્યારે સ્થળ પર વેકસીનેશન કરવા માટે આવે ત્યારે પોતાના માલિકીના તમામ ઢોરોનું વેક્સિનેશન થાય તે માટે સહયોગ આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...