દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ધોકા, ઢીંકાપાટુ તેમજ છુટ્ટા હાથે મારામારીની ઘટના સામે આવી હતી, જેનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે. પાંચ વર્ષ પહેલાં વોર્ડની ચૂંટણીનું જૂનું મનદુઃખ રાખી તેમજ એક ફરિયાદીના ચાલતા મકાનના કામને લઈને બે ટોળાં વચ્ચે મારામારી થઈ હોવાની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પામી છે. જોકે આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશને બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવા પામી છે.
એકને ફ્રેક્ચર તથા અન્યને મૂઢમારની ઇજાઓ થઈ
દેવભૂમિ દ્વારકા પંથકમાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે બે પક્ષ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે એકબીજા પર છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા છે. જોકે આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ફેક્ચર તેમજ બીજી વ્યક્તિઓને મૂઢમારની ઈજાઓ પહોંચી છે.
પુરુષોની સાથે મહિલાઓ પણ મારામારીમાં જોડાઈ
પુરુષોની સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે. મહિલાઓ ચીસો પાડી રહી છે અને સામે મારામારી પણ કરી રહી છે. આ મારામારી બાદ વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, પુરુષો હાથમાં પથ્થરો લઈને એકબીજાને મારી રહ્યા છે, તો કોઈ ધોકા વડે માર મારી રહ્યો છે.
બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ
સમગ્ર ઘટના બાદ કેટલીક વ્યક્તિઓને મૂઢમાર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસમાં લોકોનાં ટોળા એકઠાં થયાં હતાં. જોકે હાલમાં બંને પક્ષે મીઠાપુર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.