જામનગરના લાખોટા તળાવની પાળ પર આવેલા બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનને આજે 58 વર્ષ પૂર્ણ થયા છે અને 59માં વર્ષમાં પ્રવેશ થયો છે. આ મંદિરની સિદ્ધિની વાત એ છે કે, છેલ્લા 58 વર્ષ દરમિયાન ભૂકંપ, વાવાઝોડા જેવી અનેક આફતો આવી ચૂકી છે. પરંતુ, મંદિરમાં ચાલતી અખંડ રામધૂન ક્યારેય બંધ નથી રહી. મંદિરમાં ચાલતી અખંડ રામધૂનને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળી ચૂક્યું છે. આજે 59માં વર્ષમાં પ્રવેશ નિમિતે મંદિરમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું.
1-1-1964થી શરૂ થયેલી અખંડ રામધૂન આજે પણ અવિરત ચાલુ
જામનગરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ, કુદરતી આફતો જેવી કે વાવાઝોડુ-અતિવૃષ્ટિ,ભૂકંપ, બે વર્ષનો કોરોનાકાળ જેવી વિકટ પરિસ્થિતિ અનેક કુદરતી આફતો વચ્ચે પણ 58 વર્ષથી ચાલતી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતેની અખંડ રામધૂનનો 59માં વર્ષમાં પ્રવેશ કરે છે. તા. 1-8-1964ના રોજ પ.પૂ. પ્રેમભિક્ષુજી મહારાજે 'શ્રી રામ જય રામ જય જય જય રામ'ના મંત્રોચ્ચાર સાથે તળાવની પાળે આવેલા બાલા હનુમાન મંદિર ખાતે રામધૂનનો પ્રારંભ થયો હતો. ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ચૂકેલ આ અખંડ રામધૂનનો 59માં વર્ષમાં પ્રવેશ થયો છે. અખંડ રામનામના મંત્રના નાદઘોષથી બાલા હનુમાન મંદિર અવિરત ગુંજતુ રહે છે. આજે અખંડ રામધૂનને 58 વર્ષ પુણ અને 59માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે મહાઆરતી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જયારે અખંડ રામધૂનને આજે 21,183 દિવસ થયા છે. કોરોના કાળ ઉપરાંત અનેક કુદરતી આફતોમાં પણ રામધૂન સતત ચાલુ રહી છે અને જામનગરનું નામ વિશ્વકક્ષાએ ગૌરવ અપાવ્યું છે.
ભારત-પાકિસ્તાન સમયે બોમ્બમારો થયો હતો પણ નુકસાન નહોતું થયું
બાલ હનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્નાએ જણાવ્યું હતું કે જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. જેમાં ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ ચાલતું હતું ત્યારે જામનગર ઉપર કેટલા બધા બોમ્બ પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવ્યા હતા. ત્યારે જામનગર ઉપર એક પણ બોમ્બનું નુકસાન થયું ન હતું. જ્યારે જામનગરની પ્રજા ભયભિત થઈને રામ નામ કરવા અહીંયા બેસતી ત્યારે અમે અહીંયા સુવાની અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરી હતી. જ્યારે લોકો અંદરો અંદર વાત કરતા હતા કે મરવું તો ઘરમાં શું કામ મરવું ભગવાનની સામે જ આપણે મરવું છે એ યાદગાર પ્રસંગ આજે પણ હૃદયમાં ધમધમે છે. એવા રામ પ્રભુ આપણી બિરાજે છે અને આજે 58 વર્ષ પૂર્ણ કરી 59 વર્ષમાં પ્રવેશ કર્યા છે અને 21,183 દિવસ શરૂ થયા છે.
વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી થાય છે
જામનગરના બાલા હનુમાન મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા રહે છે. હનુમાન જયંતી, રામનવમી, મંદિરના સ્થાપના દિવસની વર્ષ દરમિયાન ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે મંદિરમાં ખાસ મહા આરતીનું આયોજન કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.