ઓખામા સાગરખેડુ યુવાનોને પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓખા-બેટદ્વારકામાં સઢવાળી હોડીઓની 41 મી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધા-2022 યોજાઈ હતી, જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કારો અપાયા હતાં.
રાજ્ય સરકારના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. જે અનુસાર સાગરખેડુ સમાજના સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સમુદ્ર સાહસિક પ્રવૃત્તિ અંતર્ગત 41મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા ગુરુવારે સવારે 7 થી બપોરે 4 કલાક સુધી ઓખાની દામજી જેટીથી શરૂ કરાઈ હતી. કોઈપણ યંત્ર વિનાની બાવીસ હોડીઓના 66 સ્પર્ધકો વચ્ચે 40 કિ.મી.ની સ્પર્ધા યોજાઈ હતી. ઓખાની દામજી જેટીથી બેટદ્વારકા ફરતે 40 કિલોમીટર વિસ્તારમાં આ માછીમારોને પ્રોત્સાહિત કરવા 41મી મહાજન સ્મારક સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજન કરાઈ હતી.આ સ્પર્ધામાં કોઈપણ જાતના યંત્રો વગરની 22 હોડીમાં 66 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. છેવાડાના વિસ્તાર એવા ઓખા અને બેટદ્વારકામાં માછીમારી સમાજને પ્રોત્સાહન માટે યોજાયેલ સ્પર્ધામાં સ્થાનિય યુવા માછીમારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર અલસંજરી બોટના ટંડેલ ગોલુ આમદ બંદરી, બીજા સ્થાને હુસેનીજીગર, બોટના ટંડેલ સલીમ હસન થૈમ તથા ત્રીજા નંબરે દરિયાદોલત બોટના ટંડેલ અયુબ અભુ બંદરી તથા તેની ટીમે મેદાન મારતા વિજેતા બન્યા હતાં. પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારા વિજેતાઓનું આયોજકો તથા અગ્રણીઓ જિલ્લા રમતગમત અધિકારી રાવલિયા, મત્સ્યોદ્યોગ અધિકારી મકવાણા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહન બારાઈ, બોટ એસો. પ્રમુખ મનોજભાઈ મોરી, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ સુરેશ ગોહેલ, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રાજુભાઈ કોટક, ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ નિલેશ પંચમતિયા વિગેરે હસ્તે સન્માન કરાયું હતું તેમજ પ્રથમ વિજેતાને રૂ.50 હજાર દ્વિતીયને રૂ.40 હજાર તથા તૃતીય વિજેતાને રૂ.35 હજાર રોકડનું ઈનામ સરકાર તેમજ અગ્રણીઓના સૌજન્યથી આપવામાં આવ્યું હતું.હાલના ફાસ્ટ યુગમાં દરેક જગ્યાએ યંત્રો સંચાલિત હોડીઓ આવી ગઈ હોવાથી સઢવાળી હોડીઓએ જબરૃ આકર્ષણ શ્રોતાગણમાં જગાવ્યું હતું. ઓખા-બેટદ્વારકા વચ્ચે તીર્થક્ષેત્રને લીધે યાત્રાળુઓનો પણ સતત આવન જાવન હોય, તેઓમાં પણ આ સ્પર્ધા યાદગાર સંભારણું બની રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.