જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર પાસે એક વેપારીને 8થી 10 જેટલા રેંકડી ધારકોએ હુમલો કરી માર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે આ વિસ્તારમાં વેપારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો અને તેમણે તાત્કાલિક પોતાની દુકાનો બંધ રાખી કલેક્ટર તેમજ પોલીસને પગલા લેવા ઉગ્ર રજૂઆત કરી હતી.જામનગર શહેરના સાધના કોલોનીમાં ભરાતી ગેરકાયદેસર રીતે ગુજરી બજારમાં અવારનવાર નાની મોટી માથાકૂટ થતી રહે છે. વેપારીઓ અને અહીં રેંકડી ભરતા લોકો વચ્ચે ચકમક ઝરતી રહે છે.
દરમિયાન મંગળવારે સાધના કોલોની વિસ્તારના વેપારી મહેશ પરમાણંદ ગોપરાણી નામના વ્યક્તિ પર 8થી 10 જેટલા રેંકડી ધારકોએ નજીવી બાબતમાં હુમલો કરી દેતા વેપારીને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે આ વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. તેઓએ ફટાફટ દુકાનો બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન દોડી જઈ જવાબદારો સામે પગલા લેવા અને ગુજરી બજાર બંધ કરાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસ હવે વેપારીનું નિવેદન લઈ હુમલો કરનાર શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.