ભાસ્કર એક્સક્લુઝિવ:આવાસ યોજનામાં એક જગ્યાએ પડાપડી, બીજે કાગડા ઉડ્યા

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી ગરીબો માટે બનતા આવાસ યોજનાઓમાં એક બાજુ જ્યારે સારા વિસ્તારમાં યોજનાની જાહેરાત થાય છે તો લોકોની પડાપડી થાય છે. જ્યારે બીજી બાજુ સામાન્ય વિસ્તારમાં આવાસ ખાલી રહે છે. આના પરથી નક્કી થાય છે કે જામનગરવાસીઓને પોતાના પસંદગીના વિસ્તારમાં રહેવું છે ગમે ત્યાં ભલે મકાન ન હોય રહેવું નથી. આવું જ શરૂ સેકશન રોડ ગોલ્ડન સિટી નજીક આકાર પામી રહેલા આવાસ યોજનામાં થયું છે જેમાં 544 આવાસ યોજનાની સામે 6 ગણા એટલે કે, 3 હજાર ઉપરાંતના ફોર્મ ભરાતા તેને બમ્પર રિસ્પોન્સ લોકો તરફથી મળ્યો છે.

જ્યારે મયુરનગર અને એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં બની ચૂકેલા આવાસમાં હજુ પણ મકાન ખાલી પડ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીમાં વસતા ગરીબો તેમજ મકાનવિહોણા લોકો માટે આવાસ યોજના લાગુ કરવામાં આવી છે. જેનો બહોળો ફાયદો લોકો લઈ રહ્યા છે. આ આવાસ યોજનાઓમાં એક વાત ઉડીને સામે આવી છે કે, લોકોને પોતાના પસંદગીવાળા વિસ્તારમાં રહેવું વધુ પસંદ છે. મકાન નથી છતાં પણ ગમે ત્યાં રહેવા જવું નથી. આવું જ શરૂ સેકશન નજીક બની રહેલા બે બેડરૂમ, હોલ, કિચનવાળા રૂા.5.50 લાખની કિંમતના ફલેટ માટે થયું છે.

આ યોજનામાં 544 ફલેટ બનાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા એક મહિના સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં 20 હજાર રૂપિયા ડિપોઝિટ લેવામાં આવી છે. શરૂઆતમાં જ આ યોજના માટે લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફોર્મ માટે લાઈનો લાગી હતી. લોકોનો ધસારો જોતા મહાપાલિકાએ યોજના 10 દિવસ માટે વધુ લંબાવવી પડી હતી. અંતે ફોર્મ સ્વીકારવાના છેલ્લા દિવસે 544 ફલેટની સામે 3151 લોકોએ ફલેટ મેળવવા અરજી કરી છે. જેનો મતલબ છે કે, 6 ગણો ધસારો ફલેટ માટે થયો છે.

સારા વિસ્તારમાં અને ઓછી કિંમતમાં ફલેટ મેળવવા લોકો દોટ મૂકતા હોય છે તેનો આ દાખલો છે. બીજી બાજુ મયુરનગર જેમાં એક બેડ, હોલ, કિચનના 3 લાખના 45 ફલેટ હજુ ખાલી છે. જ્યારે એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં 2 બેડ, હોલ, કિચનના રૂા.સાડા સાત લાખના 90 ફલેટ ખાલી છે. જેના માટે કોઈ અરજી આવતી નથી. આના પરથી સાબિત થાય છે કે, જામનગરવાસીઓને ગમે ત્યાં રહેવું નથી.

આના પરથી સાબિત થાય છેકે... જામનગરવાસીઆેને ગમે ત્યાં નથી રહેવું, વિસ્તાર તો પસંદગીનો જ હોવો જોઇએ !

શરૂ સેક્શન રોડ
કુલ આવાસ 540
ફોર્મ ભરાયા 3151

મયુરનગર, ખોડિયાર કોલોની રોડ
કુલ આવાસ 512
હજુ ખાલી 45

એમ.પી. શાહ ઉદ્યોગનગર
કુલ આવાસ 320
હજુ ખાલી ​​​​​​​90

આવાસના ડ્રો ટૂંક સમયમાં થશે: ડેપ્યુટી ઈજનેર
શરૂ સેકશન રોડ પર બની રહેલા નવા આવાસ માટે બમ્પર ફોર્મ ભરાયા છે. આની ચકાસણી થયા બાદ કલેક્ટર ઓફિસમાંથી મંજૂરી મળ્યેથી ડ્રો માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે મયુરનગર અને ઉદ્યોગનગરમાં બાકી રહી ગયેલા આવાસ માટેની પણ પ્રક્રિયા ચાલી રહી છે. - અશોક જોષી, ડે. ઈજનેર, સ્લમ ડેવલોપમેન્ટ શાખા, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...