તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલ્યો:લાલપુરમાં સંબંધીએ જ સંબંધીના ઘરમાં ચોરી કર્યાનો ખુલાસો થયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સીસી ટીવી અને બાતમીદારોના નેટવર્કના આધારે ભેદ ઉકેલ્યો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે એક બંધ મકાનમાં ખાબકેલા તસ્કર રૂા.1 લાખની રોકડની ચોરી કરી ગયાની નોંધાયેલી ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પરિવાર લગ્નમાં ગયા બાદ પાડોશીએ જ આ ચોરી આચરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીને દબોચી લઇ ચોરી કરેલ તમામ રોકડ કબ્જે કરી છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે બે દિવસ પૂર્વે ચોરીનો એક બનાવ સામે આવ્યો હતો. તા.27મીના રોજ સવારે સાડા નવેક વાગ્યે બંધ કરીને સિકંદર મહેબુબ હડફા અને તેનો પરિવાર મકાનને તાળા મારી ફઇના દિકરાના લગ્નમાં ગયો હતો. ત્યારબાદ સાંજે પરત ફરતા મકાનમાં ચોરી થઇ હોવાની વિગતો સામે આવી હતી. ધ્રોલ ગામે લગ્ન પુર્ણ કરી પરત ફરેલ પરિવારે મકાનના દરવાજાનું તાળુ તુટેલ નિહાળી અને રૂમ અંદરના કબાટ ખુલ્લા જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસની હાજરીમાં પરિવારે તપાસ કરી ચોરીનો આંક મેળ્યો હતો.

અજાણ્યા તસ્કરો ટ્રાન્સપોર્ટની પેઢીની પહોંચ અને રૂા.40700ની રોકડ તેમજ અન્ય એક થેલા રૂા.60000 મળીને રૂા.100700નો મુદામાલ ચોરી કરી ગયાની વિગતો સામે આવી છે જેને લઇને પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસે સીસી ટીવી અને બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ હાથ ધરતા પાડોશી શખ્સ હુશેન ઉર્ફે ટાઇગરની સંડોવણી બહાર આવી હતી. જેને લઇને પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો છે. પોલીસે આ શખ્સના કબ્જામાંથી ચોરીમાં ગયેલ રૂા.100700ની રોકડ કબ્જે કરી છે. સીસી ટીવી ફુટેજમાં આરોપીની હરકત સામે આવતા પોલીસે આરોપી નાસી જાય તે પૂર્વે જ દબોચી લીધો છે.

લાલપુરના પીએસઆઇ ડી.એસ. વાઢેરના જણાવ્યા મુજબ આરોપી અને મકાન માલીક બન્ને સગા થાય છે. ધ્રોલ લગ્નમાં આરોપીને પણ જવાનું હતું પરંતુ રોકડ રકમની ગંધ આવી જતાં જવાનું ટાળ્યુ હતું અને પાછળથી ચોરી આચરી હતી. આરોપી હુશેન ઉર્ફે ટાઇગર મેમણ અગાઉ મારામારી અને હથિયાર સંબંધીત ગુન્હામાં સંડોવાયેલો હોવાની પણ વિગતો સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...