રખડતા ઢોરનો ત્રાસ યથાવત:જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં ગાયે એક મહિલાને અડફેટે લીધા, સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ

જામનગરએક મહિનો પહેલા
  • રખડતા ઢોર મામલો કાર્યવાહી કરાઈ હોવાના તંત્રના દાવાઓની પોલ ખુલ્લી પડી
  • શહેરમાં સવાર અને રાત્રીના બે શીફ્ટમાં ઢોર પકડવાની કામગીરીના દાવાના ધજાગરા ઉડ્યા
  • કિશાનચોક વિસ્તારમાં પતિ-પત્ની ચાલીને જતા હતાં ત્યારે બનેલો બનાવ: ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ

જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક મહિલાને ગાયે ઢીંક મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાની ઢોર પકડવાની તંત્રની ઢીલી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં વામણું પુરવાર થયું છે. શહેરનો એકપણ માર્ગ એવો નહિ હોય કે, જયાં રખડતા ઢોર જોવા ન મળે. શહેરમાં ઠેક-ઠેકાણે માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે. જેના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે.તેમજ આખલા યુદ્ધને પરિણામે અનેક નાગરિકો હડફેટે ચડે છે.

શહેર ના કિસાનચોક નજીક રાધેકૃષ્ણ મંદિર પાસે સુનિતાબેન ભૂપતભાઇ વાઘેલા નામના મહિલાને રખડતા ઢોરે હડકટ લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને માટે ખાનગી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાધેકૃષ્ણ મંદિર અને આસપાસના રહેવાસીઓએ આખલાના ત્રાસ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે,પરંતુ તંત્ર પશુઓને પૂરવાની કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઈજાગ્રસ્ત મહિલાના પતિએ દુર્ઘટના બાદ તંત્ર સામે પારાવાર રોષ ઠાલવ્યો છે. રાધેકૃષ્ણ મંદિર અને આસપાસના રહેવાસીઓએ આખલાના ત્રાસ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે,પરંતુ તંત્ર પશુઓને પૂરવાની કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી રહીશોએ સહન કરવાનો વારો આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ રખડતા આખલાના વારંવાર થતા હુમલાથી પ્રજાને બચાવવા ત્વરિત યોગ્ય પગલા લેવા જોઈએ તેવી પણ સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

સપ્તાહમાં 57 ઢોર પકડ્યા પણ... કયાં વિસ્તારમાંથી તેની મનપાને ખબર નથી
જામનગરમાં ગત સપ્તાહ દરમ્યાન દૈનિક બે શીફટમાં ઢોર પકડવાની કામગીરી કરી 57 ઢોર પકડવામાં આવ્યા છે જયારે 175 ઢોરને પાંજરાપોળ મોકલાયા હોવાનું મનપાઅે જણાવ્યું છે. પરંતુ કયાં વિસ્તારમાંથી કેટલા ઢોર પકડયા તેનો ઉલ્લેખ કરવામાં ન આવતા ઢોર પકડવાની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

8 થી 10 ગાય દોડતી દોડતી આવી અને મારી પત્નીને ઢીંકે ચડાવી
હું અને મારા પત્ની સુનિતાબેન સોમવારે રાત્રીના 12 વાગ્યા આસપાસ કિશાનચોક વિસ્તારમાં ઉનની કંદોરી પાસે ચાલીને ઘેર જતાં હતાં. ત્યારે અચાનક 8 થી 10 ગાય દોડતી દોડતી અમારા તરફ આવી હતી અને કંઇ સમજાય તે પહેલા મારા પત્ની સુનિતાબેનને ઢીક મારી હડફેટે લીધા હતાં. આથી તેણીને ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં.- ભૂપતભાઇ વાઘેલા, જામનગર.

રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ જ છે, હવે વધુ વેગવાન બનાવાશે: તંત્ર
શહેરમાં રખડતા ઢોર પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દૈનિક બે શીફટમાં કામગીરી કરવામાં આવી રહી છે. ગત સપ્તાહે 57 ઢોર પકડવામાં આવ્યા છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ વેગવાન બનાવામાં આવશે.- એ.કે.વસ્તાણી, નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...